વિધાનસભ્ય અપાત્રતા: શરદ પવાર જૂથની અરજી પર ‘સુપ્રીમ’ની અજિત પવાર જૂથને નોટિસ
નવી દિલ્હી: મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરના અજિત પવાર જૂથના વિધાનસભ્યોને અપાત્ર ઠરાવવાની (MLAs disqualification case) અરજી નકારવાના નિર્ણયને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેના પર કોર્ટે આજે અજિત પવાર જૂથને નોટિસ ફટકારી હતી.
શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલ દ્વારા કરાયેલી અરજીમાં પક્ષ છોડવા તથા શિવસેના-ભાજપની સરકારમાં જોડાવા માટે અજિત પવાર જૂથના વિધાનસભ્યોને અપાત્ર ઠરાવવાની માગણી કરી હતી.
ભારતના ચીફ જસ્ટિસ (સીજેઆઇ) ડી. વાય. ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ કરતી બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે અરજીમાં જણાવેલ વિવાદ પરનો ચુકાદો કેસના અંતિમ તબક્કાના સ્તર પર નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર
આ સિવાય કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે શરદ પવાર જૂથની અપીલની સુનાવણી ઉદ્ધવ ઠાકરે જૂથની પેન્ડિંગ અરજીની સુનાવણી સાથે કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ પણ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યોને અપાત્ર નહીં ઠરાવવાના સ્પીકરના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
અજિત પવાર જૂથ તરફથી જવાબ આપવામાં આવશે ત્યારે કેસની વધુ સુનાવણી હાથ ધરાશે, એમ કોર્ટે કહ્યું હતું, પરંતુ આ કેસની સુનાવણી માટેની નિશ્ર્ચિત તારીખ કોર્ટ દ્વારા જાહેર કરાઇ નહોતી. તેમ છતાં આ કેસની સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવવાની શક્યતા છે.
સુપ્રીમ કોર્ટે તેના ૧૯મી માર્ચના આદેશમાં અજિત પવાર જૂથને ‘ઘડિયાળ’નું ચિહ્ન વાપરવા માટે શરદ પવાર જૂથની અરજી કોર્ટમાં પેન્ડિંગ છે એમ જણાવતી પબ્લિક નોટિસ અંગ્રેજી, હિન્દી અને મરાઠી અખબારમાં આપવાનું આપવાનું કહ્યું હતું. આ સિવાય કોર્ટે શરદ પવાર જૂથને એનસીપી (એસપી) નામ તથા તુતારી વગાડતી વ્યક્તિનું ચિહ્ન વાપરવાનો નિર્દેશ કર્યો હતો. (પીટીઆઇ)