ASSEMBLY ELECTION: શિંદે અને પવારની ‘સુપ્રીમ પરીક્ષા
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપીના વિધાનસભ્યોને અપાત્ર એટલે કે ગેરલાયક ઠેરવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટમાં શિંદે અને અજિત પવારના પક્ષ વિરુદ્ધ ચુકાદો આવે તો તેની ગંભીર અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડશે તે નક્કી છે.
શિવસેના અને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું વિભાજન થયું ત્યાર પછી શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ, જ્યારે એનસીપીની શરદચંદ્ર પવાર જૂથ અને અજિત પવાર જૂથ એમ બે ફાંટા પડ્યા. જોકે ત્યારબાદ એકબીજાના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી અને વિધાનસભામાં પણ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દે સુનાવણી હાથ ધરી કોઇપણ પક્ષના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા નહોતા.
આ પણ વાંચો: Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…
જોકે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા આ મામલે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી સાતમી ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેની અરજીની સાથે જ શરદ પવારે કરેલી અરજીની સુનાવણી પણ હાથ ધરવાનો ફેંસલો ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે લીધો છે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ અને શરદ પવાર દ્વારા વિદ્રોહ કરીને નવા બનાવાયેલા પક્ષના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવામાં આવે, તેવી માગણી પોતાની અરજીમાં કરી છે.
રાહુલ નાર્વેકરે કોઇપણ પક્ષના વિધાનસભ્યોને અપાત્ર ન ઠેરવવાનો નિર્ણય લીધો તેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ઉદ્ધવ જૂથ વતી સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેસની લિસ્ટીંગ માટે અરજી કરી હતી.
શરદ પવાર જૂથની અરજીની સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં થવાની હતી. જોકે કપિલ સિબ્બલે ઉદ્ધવ જૂથની અરજી શરદ પવાર જૂથની અરજી સાથે ટેગ કરવામાં આવી હોવાનું જણાવતા ચીફ જસ્ટિસ ચંદ્રચુડે બંને અરજીની સુનાવણી સાતમી ઑગસ્ટે કરવામાં આવશે, એમ જણાવ્યું હતું.