પોતાના પગ પર ઊભા રહેતા શિખો: Supreme Court એ કેમ લીધો અજિત પવારનો ક્લાસ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બે ફાંટામાં વહેંચાયેલી નેશનાલિસ્ટ કૉંગ્રસ પાર્ટી (એનસીપી)ના કેસમાં ચૂંટણી પંચે અજિત પવારને ફટકાર લગાવી છે.
આ પણ વાંચો : અમિત શાહ-અદાણી સાથેની મુલાકાત અંગે શરદ પવારે ખુલાસો કરીને કોના પર તાક્યું નિશાન?
સુપ્રીમ કોર્ટે અજિત પવારની એનસીપીને શરદ પવારના ફોટા અને વીડિયોનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જ આનો અમલ થાય તેમ કહ્યું છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. કોર્ટે બંને પક્ષોને ચૂંટણી પહેલા પોતાની અલગ ઓળખ જાળવવા કહ્યું છે. આ સંદર્ભે કોર્ટે અજિત પવારને કહ્યું હતું કે શરદ પવાર સાથે તમારે વૈચારિક મતભેદ છે તો પછી તમે તમારા પગ પર ઊભા રહેતા શીખો. તેમનાથી અલગ થયા બાદ તેમના ફોટો, નામ કે વીડિયો વાપરી શકો નહીં. તમારી પોતાની ઓળખ ઊભી કરો.
કાકા-ભત્રીજાનો કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટમાં
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને મતદારોની બુદ્ધિમત્તા પર સંપૂર્ણ વિશ્વાસ છે . તેમને ખબર છે તેમણે કોને મત આપવો. અગાઉની સુનાવણી દરમિયાન અજિત પવારને અખબારોમાં જાહેરાત આપવાનું કહેવામાં આવ્યું હતું. તેને કહેવામાં આવ્યું કે તેણે 13મીએ સોગંદનામું રજૂ કરવાનું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન બંને પક્ષોને પોતાના પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.
શરદ પવારની એનસીપીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આજે કોર્ટને જણાવ્યું હતું કે વરિષ્ઠ રાજકારણીનો ભત્રીજો હજુ પણ તેના કાકાના નામનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અજિત પવારની NCP સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહી નથી.
અગાઉ ઘડિયાળ ચિહ્ન માટે પણ કોર્ટે આપ્યો હતો આ નિર્દેશ
અગાઉ સુપ્રીમ કોર્ટે અજિત પવારની આગેવાની હેઠળની NCPને તેની ચૂંટણી જાહેરાતોમાં ડિસ્ક્લેમર ઉમેરવાનો નિર્દેશ આપ્યો હતો કે પક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતું ઘડિયાળ પ્રતીક શરદ પવારની NCP સાથે ચાલી રહેલી કાનૂની લડાઈના પરિણામને આધીન છે. અજિત પવારના પક્ષે કોર્ટને ખાતરી આપી હતી કે અખબારોમાં મરાઠીમાં એક ડિસ્ક્લેમર પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Assembly Election: 3 ડઝન બેઠક પર બરાબરીનો જંગ, તફાવત ૫૦૦૦ મતથી ઓછો હતો
અજિત પવાર અને શરદ પવારનો પક્ષ અલગ થયા બાદ વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં કાકાનું ગઠબંધન આગળ નીકળી ગયું હતું ત્યારે અજિત પવારની મહાયુતી ભલે સારા મત મેળવે, પણ પવારના કેટલા વિધાનસભ્યો ચૂંટાઈને આવે છે, તેના પર સૌની નજર છે.