મેદાનોની જગ્યા બિલ્ડર્સને ફાળવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કરી ટીકા, પૂછ્યા સવાલો…
મુંબઈ: સુપ્રીમ કોર્ટે નવી મુંબઈમાં આવેલી સ્પોટર્સ કોમ્પ્લેક્સ બાંધવા માટે અનામત એવી ખુલ્લા મેદાનની જગ્યા બિલ્ડરને આપવામાં આવતા સુપ્રીમ કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારનો બિલ્ડરને જમીન આપવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું.
ભારતમાં હવે ખૂબ જ ઓછી હરિયાળી-લીલોતરી હોય તેવી જગ્યાઓ બચી છે તેવી ચિંતા પણ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેન્ચે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2003માં રાજ્ય સરકારે ઘણસોલી ખાતે આવેલી 20 એકરની જગ્યા સ્પોટર્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે અનામત જમીન બિલ્ડરને નિર્માણ કરવા માટે આપી હતી.
સરકારે નિયમોમાં ફેરફાર કરીને પ્રોગ્રેસિવ હોમ્સ નામના બિલ્ડર-ડેવલપરને આ જમીન આપી હતી અને સિડકોએ આ અંગે અધ્યાદેશ પણ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ વિરુદ્ધ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટ્સ’ દ્વારા 2019માં હાઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 2024માં હાઇ કોર્ટે આ મામલે રાજ્ય સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, જેને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
આ પણ વાંચો : “ઘરેલુ હિંસા કાયદામાં નહિ ચાલે હિંદુ-મુસ્લિમ” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું- દરેકને પડશે લાગુ
આ અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ચંદ્રચુડ અને મનોજ મિશ્રાની બેન્ચે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. જમીન બિલ્ડરને આપીને તમે પ્રસ્તાવિત સ્પોટર્સ કોમ્પ્લેક્સ 115 કિલોમીટર દૂર રાયગઢના નાણોરે ખાતે બાંધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પરથી રાજ્ય સરકારનો ખોટો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. એટલે દૂર કોણ જવાનું છે? એવો સવાલ પૂછતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરી હતી.