સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને માથેરાનમાં ગુજરાત મોડેલ અપનાવવા સૂચન કર્યું! આ મામલે કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: પશ્ચિમ ઘાટના પહાડોમાં સ્થિત મહારાષ્ટ્રના લોકપ્રિય હિલસ્ટેશન માથેરાનને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2003માં ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. પર્યાવરણીય ચિંતાઓને કારણે માથેરાનમાં વાહનો પર પ્રતિબંધ છે, માત્ર ઈમરજન્સી સર્વિસના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી છે, ત્યારે માથેરાનમાં હાથથી ખેંચવામાં આવતી રિક્ષા પ્રચલિત છે. એવામાં સુપ્રીમ કોર્ટે હાથથી ખેંચવામાં આવતી રિક્ષા અંગે એક મહત્વનો ચુકાદો (Hand Pulled Rickshaw in Matheran) આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે બુધવારે એક મહત્વનો ચુકાદો આપતા માથેરાનમાં હાથથી ખેંચવામાં આવતી રિક્ષાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે, આ માટે કોર્ટે રાજ્ય સરકારને છ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે સરકારને તેની જગ્યાએ ઈ-રિક્ષા શરુ કરવાની સૂચના આપી છે.
માથેરાનમાં ઈ-રિક્ષા પાયલોટ પ્રોજેક્ટ સાથે સંકળયેલા મુદ્દાઓ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને એનવી અંજારિયાની બેન્છે સુનાવણી કરી રહી હતી.
મૂળભૂત અધિકારોનું ઉલંઘન:
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી અમાનવીય પ્રથા ચાલુ રહેવી ગૌરવપૂર્ણ માનવ જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે, આવી પ્રથા બંધારણ દ્વારા તમામ નાગરિકોને આપવામાં આવેલી સામાજિક અને આર્થિક ન્યાયની ગેરંટીથી વિપરીત છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે કે દર વર્ષે લગભગ 8 લાખ પ્રવાસીઓ માથેરાનની મુકાલાત લે છે, આ ઉપરાંત શહેરમાં 4,000 થી વધુ લોકો વસે છે. હિલ સ્ટેશન પર પરિવહન માટે હાથ ખેચવામાં આવતી રિક્ષાઓ હજુ પણ પ્રચલિત છે. સુપ્રીમ કોર્ટને આ પ્રથાને અમાનવીય ગણાવી હતી.
ગુજરાત પાસેથી શીખ લેવાનું સુચન:
કોર્ટે એ પણ નોંધ લીધી કે આ પ્રથાનો બંધ થવાથી રીક્ષા ચાલકોની આજીવિકા છીનવાઈ જશે. કોર્ટે જણાવ્યું કે ટેકનોલોજીના વિકાસ સાથે બેટરીથી ચાલતી ઈ-રિક્ષાઓ ઉપલબ્ધ છે, જે પર્યાવરણને અનુકૂળ પણ છે. કોર્ટે માથેરાનમાં હાથથી રિક્ષા ખેંચતા ચાલકોના પુનર્વસન માટે યોજના બનાવતી વખતે ગુજરાત સરકાર દ્વારા કેવડિયામાં શરુ કરવામાં આવેલી યોજનાને ધ્યાનમાં લેવા જણાવ્યું.
ગુજરાત સરકારે કેવડીયામાં સ્થાનિક આદિવાસી મહિલાઓને ભાડા પર ઇ-રિક્ષા પૂરી પાડી છે અને તેને ચલાવવાના લાઇસન્સ આપ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ ઈ-રીક્ષામાં મુસાફરી કરે છે અમે આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઇ-રિક્ષાના લાઇસન્સ માટે આ રિક્ષાચાલકોને પ્રાથમિકતા આપવાનું વિચારવા સુચન કર્યું. આદિવાસી મહિલાઓ સહીત માથેરાન અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ લોકોને ઇ-રિક્ષા ચલાવવા માટે લાઇસન્સ આપવા સુચન કર્યું.
આ દુર્ભાગ્યપૂર્ણ છે:
બેન્ચે હાથથી ખેંચવામાં આવતી રીક્ષાની પ્રથા અંગે દુઃખ વ્યક્ત કરતા બેન્ચે જણાવ્યું હતું કે, “સ્વતંત્રતાના 78 વર્ષ પછી અને નાગરિકોને સામાજિક અને આર્થિક ન્યાયનું વચન આપતા બંધારણ ઘડાયાના 75 વર્ષ પછી પણ આવી પ્રથા ચાલુ રહેવીએ ભારતના લોકોએ પોતાને આપેલા વચનનું ઉલંઘન છે.”
સુપ્રીમ કોર્ટેની બેન્ચે સુનાવણી દરમિયાન 1980ના આઝાદ રિક્ષા પુલર્સ યુનિયન (રજિસ્ટર્ડ) વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય કેસના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. જેમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હાથ વડે ખેંચવામાં આવતી રિક્ષાઓ ચાલુ રહેવીએ સામાજિક ન્યાયની પ્રસ્તાવનામાં આપેલા વચન સાથે અસંગત છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ કોર્ટના નિર્ણયના 45 વર્ષ પછી પણ માથેરાન શહેરમાં એક માનવ દ્વારા બીજા માનવીનો વજન વહન કરવાની અમાનવીય પ્રથા હજુ પણ ચાલી રહી છે, આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.”
રાજ્ય સરકારને છ મહિનાની મુદ્દત:
કોર્ટે હાથથી ખેંચવામાં આવતી રિક્ષાને તબક્કાવાર રીતે બંધ કરવા માટે રાજ્ય સરકારે છ મહિનાનો સમય આપ્યો છે અને સાથે આવા રીક્ષા ચાલકોનાના પુનર્વસન માટે યોજના બનાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, “અમે રાજ્યને છ મહિનાની અંદર કોઈપણ સંજોગોમાં તબક્કાવાર રીતે હાથથી ચાલતી રિક્ષા બંધ કરવાનો નિર્દેશ આપીએ છીએ.”
કોર્ટે માથેરાનના કસ્તુરી નાકાથી શિવાજી સ્ટેચ્યુ સુધી 4 કિમીના રસ્તા પર કોઈ પણ કોંક્રિટ બેડિંગ વિના પેવર બ્લોક નાખવાની મંજૂરી આપી હતી, જેથી ચોમાસા દરમિયાન પણ રિક્ષાઓ અને ઘોડાગાડીઓ રસ્તા પર ચાલી શકે.
આપણ વાંચો: મરીન ડ્રાઈવમાં હવે પોસ્ટર લગાવનારની ખેર નથી…