સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ માટેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાર્ટીઓએ કર્યું સ્વાગત
મહાયુતિ એક થઈને લડશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને લાંબા સમયથી પડતર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ચાર મહિનામાં યોજવાનો આદેસ આપવામાં આવ્યો તેનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન એક થઈને ચૂંટણી લડશે.
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) અને આમ આદમી પાર્ટીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં એકાદ-બે સ્થળોને બાદ કરતાં મહાયુતિ એક થઈને બધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓબીસી અનામત આ ચુંટણીઓમાં લાગુ પડશે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ફરી મુલતવી, સુપ્રીમ કોર્ટે ફરી મુદત પાડી
અમે આનંદિત છીએ કે સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ચાર મહિનામાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. અમે આનું સ્વાગત કરીએ છીએ અને રાજ્ય ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે પાલિકાઓની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે મુંબઈ સહિત શહેરી સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી કરવામાં થઈ રહેલા લાંબા વિલંબ બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. ત્રણ વર્ષોથી રાજ્યની મહાનગરપાલિકાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ વગર કામ કરી રહી છે.
શિવસેના (યુબીટી)ની નેતા અને મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે આદેશનું સ્વાગત કરતાં કહ્યું હતું કે અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. આમ આદમી પાર્ટીની પ્રીતી શર્મા મેનને કહ્યું હતું કે લાંબા સમયથી પાટા પરથી ઉતરી ગયેલી લોકશાહીને પાટે ચડાવવા માટે મહત્ત્વનો આદેશ છે.