રૂ. 325 કરોડના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ
નવી મુંબઇ: રાયગડ પોલીસે રૂ. 325 કરોડની કિંમતના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ચંદારામાણી માતામણિ તિવારી (45) તરીકે થઇ હોઇ તે કાંદિવલીનો રહેવાસી છે. તિવારીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે. રાયગડ જિલ્લામાં આવેલી ફેક્ટરીમાં મેફેડ્રોન પાઉડરના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ તિવારી સપ્લાય કરતો હતો.
આ કેસના અન્ય ચાર આરોપીની પૂછપરછમાં પોલીસને સપ્લાયર વિશે માહિતી મળી હતી, જેને પગલે તિવારીની ધરપકડ કરાઇ હતી. ખોપોલી પોલીસે તિવારીને પૂછપરછ માટે બોલાવ્યો હતો, જ્યાં એ સ્પષ્ટ થયું હતું કે તે આરોપીઓને કાચો માલ સપ્લાય કરતો હતો. તિવારી પાસે કેમિકલ વેચવાનું ન તો લાઇસન્સ હતું, ન તો તેણે કેમિકલ રાખવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટ ઓર્ગેનાઇઝેશન પાસેથી કોઇ પરવાનગી મેળવી હતી. અમે ફેક્ટરીમાંથી 21 પ્રકારનું જુદું જુદુ કેમિકલ જપ્ત કર્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખોપોલી પોલીસે 8 ડિસેમ્બરે ખોપોલીના ધેકુ ગામમાં ફેક્ટરીનો પર્દાફાશ કરીને રૂ. 107 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પોલીસે આ પ્રકરણે કમલ જેસવાની, એન્થની કુરુકુટ્ટીકરન અને મતિન શેખની ધરપકડ કરી હતી. પોલીસે બાદમાં ગોદામમાંથી વધુ રૂ. 108 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. ચોથા આરોપી એવા કસ્ટમ્સ ક્લિયરિંગ એજન્ટ જયરાજ ગાડકરની ગયા સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.