અજિત પવારના નિધન બાદ સુનેત્રા પવારના ખભે NCPની જવાબદારી, જાણો કોણ છે મહારાષ્ટ્રના ‘વહિની’

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયા બાદ, હવે તેમના ઉત્તરાધિકારી તરીકે પત્ની સુનેત્રા પવારનું નામ મોખરે આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ધારાસભ્ય દળ દ્વારા સુનેત્રા પવારને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જો અટકળો સાચી ઠરશે તો તેઓ આજે સાંજ સુધીમાં ડેપ્યુટી CM તરીકે શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ મહિલા આ પ્રતિષ્ઠિત પદ સંભાળશે.
કોણ છે સુનેત્રા પવાર?
સુનેત્રા પવારનો જન્મ 1963 માં ધારાસિવના એક રાજકીય પરિવારમાં થયો હતો, પરંતુ લગ્ન બાદ વર્ષો સુધી તેમણે પોતાની ઓળખ એક સક્રિય રાજકારણીને બદલે સમાજસેવિકા તરીકે સ્થાપિત કરી હતી. તેમણે બારામતીના કાઠેવાડી ગામને ‘નિર્મલ ગ્રામ’ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના માટે 2006માં આ ગામને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે હાઈટેક ટેક્સટાઈલ પાર્ક દ્વારા હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડીને આર્થિક સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજકારણ સુનેત્રા પવારના લોહીમાં છે. તેમના પિતા બાજીરાવ પાટીલ અને ભાઈ પદમસિંહ પાટીલ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ રહ્યા છે. 1985માં શરદ પવાર અને પદમસિંહ પાટીલની ગાઢ મિત્રતાને કારણે સુનેત્રાના લગ્ન અજિત પવાર સાથે થયા હતા. તેમના બે પુત્રો છે, પાર્થ પવાર અને જય પવાર. લાંબો સમય પડદા પાછળ રહીને પરિવાર અને સંસ્થાને સાચવ્યા બાદ, 2023માં NCPમાં પડેલા વિભાજન પછી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને 2024માં રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા.
સંસદીય કાર્યક્ષમતા અને નવી જવાબદારી
રાજ્યસભાના સાંસદ તરીકે સુનેત્રા પવારનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે. તેમણે કૃષિ, પર્યાવરણ અને રેલવે જેવા પાયાના મુદ્દાઓ પર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ પ્રશ્નો પૂછીને પોતાની ગંભીરતા સાબિત કરી છે. ફેબ્રુઆરી 2025માં તેમની પસંદગી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના પેનલમાં પણ કરવામાં આવી હતી. હવે અજિત પવારના અકાળે અવસાન બાદ ઊભી થયેલી રાજકીય શૂન્યાવકાશને ભરવા માટે મહાયુતિ ગઠબંધન તેમના પર ભરોસો મૂકી રહ્યું છે.



