રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…

મુંબઇઃ 14 એપ્રિલ, રવિવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ જ દિવસે મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો હાથ ધરવા માટે દિવસભરનો મેગાબ્લોક લેવામાં આવ્યો છે.
જેના કારણે રેલવે મુસાફરોને અસુવિધા થવાની સંભાવના છે.
રવિવારે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની વિવિધ લાઇન પર મેગાબ્લોકને લઇને સ્થાનિક સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો ઘરમાંથી બહાર નીકળતા પહેલા તમે આ યાદી જરૂર વાંચી જજો, જેથી તમને અસુવિધાનો સામનો ના કરવો પડે.
મધ્ય રેલવેઃ થાણે-કલ્યાણ અપ અને ડાઉન રૂટ પર સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન થાણે-કલ્યાણ વચ્ચેના અપ અને ધીમા લોકલ રૂટને ઝડપી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ લોકલ ડોંબીવલી, દિવા, મુંબ્રા, કાલવા અને થાણે સ્ટેશનો પર ઉભી રહેશે. તો, ઠાકુર્લી, કોપરમાં લોકલ સ્ટોપ ન હોવાથી અને તે લોકલ સમયપત્રક કરતાં 10 થી 15 મિનિટ મોડી દોડવાની હોવાથી મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતા છે.
પશ્ચિમ રેલવેઃ બોરીવલી-ગોરેગાંવ અપ અને ડાઉન રૂટ પર સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન બોરીવલી-ગોરેગાંવ વચ્ચે તમામ અપ અને ડાઉન ફાસ્ટ લોકલ ધીમા રૂટ પર દોડશે. ઉપરાંત, કેટલીક લોકલ રદ કરવામાં આવશે.
હાર્બર લાઇનઃ કુર્લા-વાશી અપ અને ડાઉન રૂટ પર સવારે 11.10 થી 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.
આ સમયગાળા દરમિયાન CSMT–પનવેલ /બેલાપુર/વાશી અપ અને ડાઉન લોકલ રદ કરવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે વિશેષ લોકલ દોડાવવામાં આવશે.