મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રક સાથે સુમો ભટકાઇ: પાંચ જણ ઘાયલ | મુંબઈ સમાચાર

મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રક સાથે સુમો ભટકાઇ: પાંચ જણ ઘાયલ

થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર થાણે સ્ટેશન તરફ જઇ રહેલી સુમોના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં તે રસ્તાને કિનારે ઊભેલી ટ્રક સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં સુમોના ચાલક સહિત પાંચ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત નાજુક હોવાથી તેમને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-નાશિક હાઇવે પર પાંચપખાડી વિસ્તારમાં બસસ્ટોપની નજીક સોમવારે સવારે આ અકસ્માત થયો હતો. જેમાં સુમોના ચાલક ફયાઝ શેખ સહિત વિકાસ રવીન્દ્ર કુમાર, સંતોષ કુમાર, શિવશંકર આદિત્ય અને પ્રદીપ રાજન પ્રસાદ ઇજા પામ્યા હતા.

વસઇથી સોમવારે સવારે ફયાઝ શેખ ટાટા સુમો લઇને થાણે સ્ટેશન ખાતે આવવા માટે નીકળ્યો હતો. સુમો થાણેના પાંચપખાડી વિસ્તારમાં પહોંચી ત્યારે શેખે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટાયર પંકચર થવાથી રસ્તાને કિનારે ઊભેલી ટ્રક સાથે સુમો ભટકાઇ હતી. સુમોમાં પાંચ જણ હાજર હતા અને તેઓ રેલવે કેબલ મેઇન્ટેનન્સનો સામાન લઇને થાણે રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.

અકસ્માતની જાણ થતાં પોલીસ સાથે અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સુમોમાં ફસાયેલી એક વ્યક્તિને તેમણે બહાર કાઢ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button