કોલાબા કોઝવેમાં ૬૭ ગેરકાયદે ફેરિયા વિરુદ્ધ સુધરાઈ એક્શનમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલાબા કોઝવે પરિસરમાં ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓના વિરુદ્ધ સાત દિવસમાં પગલાં નહીં લીધા તો મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસ સામે આંદોલન કરવાની સ્થાનિકોની ચીમકી બાદ જાગેલી પાલિકા પ્રશાસને મંગળવારે કુલ ૬૭ ફેરિયાના અતિક્રમણને હટાવ્યા હતા. જોકે સ્થાનિક નાગરિકોએ આ કાર્યવાહીને અપૂરતી ગણાવી હતી અને કોલાબા ફૂટપાથ પર બેસતા ફેરિયાઓ સામે નિયમિત કાર્યવાહી કરવા માટે ડેડિકેટેડ ટીમ તૈયાર કરવાની માગણી કરી હતી.
લાંબા સમયથી કોલાબાના સ્થાનિક નાગરિકો કોલાબા કોઝવે વિસ્તાર અને ફૂટપાથ પર મોટી સંખ્યામાં અતિક્રમણ કરનારા ફેરિયાઓ સામે પગલાં લેવાની માગણી કરી રહ્યા હતા પણ તેમની ફરિયાદ પ્રત્યે પાલિકા સતત દુર્લક્ષ કરી રહી હતી. છેવટે ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરના નેતૃત્વમાં સ્થાનિક નાગરિકોએ પાલિકાના ‘એ’ વોર્ડની ઓફિસને સાત દિવસની અંદર ફેરિયાઓ સામે કાર્યવાહી નહીં કરી તો તેમની ઓફિસ બહાર બેસીને આંદોલન કરવાની અને ત્યાં જ પ્રતિકાત્મક સ્ટોલ લગાવવાની ચેતવણી આપતો પત્ર લખ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓેની ફરિયાદ બાદ છેવટે મંગળવાર, ચાર નવેમ્બર, ૨૦૨૫ના ‘એ’ વોર્ડ દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થનારા તથા ફૂટપાથ પર રાહદારીઓને ચાલવામાં અવરોધ નિર્માણ કરનારા કોલાબા કોઝવે વિસ્તારના ૬૭ ગેરકાયદે બેસી ગયેલા ફેરિયાઓને હટાવવાની કાર્યવાહી કરી હતી. આગામી દિવસમાં આ કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પાલિકા પ્રશાસને આપી હતી.

ભૂતપૂર્વ નગરસેવકે કહ્યું હતું કે પાલિકાની કાર્યવાહીનું અમે સ્વાગત કરીએ છીએ પણ ફરી પાછા ફેરિયાઓ આ જગ્યા પર આવી ન જાય તેની તકેદારી તેમણે રાખવાની રહેશે. આ અતિક્રમણને કાયમ માટે હટાવવામાં આવશ્યક છે અને તેમનું આ જગ્યા પર પુનરાગમન થાય નહીં તે માટે તેમને રોકવા પાલિકાએ ધ્યાન રાખવાનું રહેશે.
અતિક્રમણ કરનારા સ્ટોલ ધારકો વારંવાર નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેમની સામે પાલિકાએ એમપીઆઈડી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરીને તેમની સામે કાયદેસર પગલા લેવાની માગણી પણ તેમણે કરી હતી. સાથે જ પાલિકાના લાઈસન્સ વિભાગ અને અતિક્રમણ હટાવ વિભાગે એક ડેડીકેટેડ ફૂલ ટાઈમ ટીમ તહેનાત કરવી જોઈએ જે હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી રહે તેનું ધ્યાન રાખે એવી માગણી પણ કરી હતી.
આ પણ વાંચો…કોલાબા કોઝવે પર ફેરિયાઓનો ત્રાસ:રહેવાસીઓએ અઠવાડિયાની આપી મુદત…



