બહુચર્ચિત સબમરીન પ્રોજેક્ટ આખરે સિંધુદુર્ગને મળ્યો, કેન્દ્ર દ્વારા 47 કરોડ મંજૂર
માલવણ (જિ.સિંધુદુર્ગ): લાંબા સમયથી રાહ જોવાઇ રહેલો સબમરીન પ્રોજેક્ટ આખરે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાને ફાળવવામાં આવ્યો છે. સિંધુદુર્ગમાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો માર્ગ હવે મોકળો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે 47 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. દરમિયાન, વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ સબમરીનને માર્ચ મહિનામાં સિંધુદુર્ગમાં લાવવામાં આવશે.
એવી માહિતી જાણવા મળી છે કે મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રાલયે પ્રવાસી સબમરીન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ સબમરીનની કિંમત 46.91 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકાર તરફથી સિંધુદુર્ગામાં સબમરીન પ્રોજેક્ટ માટેના ભંડોળથી આ પ્રોજેક્ટનો રસ્તો સાફ થઈ ગયો છે. માર્ચના અંત સુધીમાં સિંધુદુર્ગ જિલ્લામાં પ્રવાસન માટેની સબમરીનનું આગમન થશે અને આ સમયે રાજ્ય સરકાર દ્વારા તેને ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવશે.
ભારત વિશાળ દરિયા કિનારો ધરાવે છે. ઉપરાંત સબમરીન પ્રવાસન પ્રોજેક્ટ દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં નથી, જે સિંધુદુર્ગના પ્રવાસન ક્ષેત્ર માટે મોટી તકની વાત છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સબમરીન પ્રવાસન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે સિંધુદુર્ગ જિલ્લાને પણ દેશના પ્રવાસન ક્ષેત્રે એક અલગ દરજ્જો અને ઓળખ મળશે. સિંધુદુર્ગ જિલ્લામાં પ્રવાસન સબમરીન પ્રોજેક્ટ વર્લ્ડ ક્લાસ કોન્સેપ્ટ પર આધારિત બનવા જઈ રહ્યો છે. પ્રવાસન જગતના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ સિંધુદુર્ગના પ્રવાસનને ઉચ્ચ સ્તરે પહોંચવામાં મદદ કરશે.
આ પણ વાંચો…ખુદ નેતાના ખુલાસા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે આ ચહેરાની ચર્ચાઃ ફડણવીસને પક્ષ ફરીથી આપશે ઝટકો?
સિંધુદુર્ગમાં અમલમાં આવનાર ટુરીઝમ સબમરીન પ્રોજેક્ટમાં પ્રવાસીઓ સબમરીનમાં બેસીને પાણીની અંદરની દુનિયાને નજીકથી જોઈ શકશે. આ પ્રોજેક્ટ પ્રથમ વર્ષમાં પાંચ હજાર લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે. આ પ્રોજેક્ટને કારણે 100 થી 150 કરોડનું ટર્નઓવર શક્ય બનશે.
સિંધુ દુર્ગ ઉપરાંત દેશના અન્ય ઠેકાણે પણ ટુરીઝમ સબમરીન પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારાધીન છે.