આમચી મુંબઈ

ઘાટકોપરમાં લિંક રોડને પહોળો કરવાને આડે આવતા ૨૪ બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પશ્ર્ચિમમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક અંધેરી-ઘાટકોપર લિંક રોડને પહોળો કરવાને આડે આવી રહેલા ૨૪ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. વધુમાં ઘાટકોપર ખાતે અંધેરી-ઘાટકોપર લિંક રોડ સાથે નવા કેબલ સ્ટેડ રેલ ઓવર બ્રિજના નિર્માણથી અસરગ્રસ્ત ૩૫ વધુ બાંધકામને તોડી પાડવાનું કામ પણ ચાલી રહ્યું છે. રસ્તાની બંને બાજુ ૨૫૦ બાંધકામ અસરગ્રસ્ત થવાના હોવાથી અંધેરી-ઘાટકોપર લિંક રોડ પ્રોજેક્ટમાં વિલંબ થયો હોવાનું કહેવાય છે.


પાલિકા પ્રશાસન ઘાટકોપર પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશનને સમાંતર ૧૫.૨૫ મીટર પહોળો રસ્તો બનાવી રહી છે, જે ઝુનઝુનવાલા કોલેજને અંધેરી-ઘાટકોપર લિંક રોડ સાથે જોડે છે. અનેક બાંધકામોને કારણે આ રોડનું કામ અટવાઈ પડ્યું હતું. ઉપરાંત મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆરઆઈડીસી) દ્વારા હાલમાં એક નવા રેલ ઓવરબ્રિજનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટને કારણે ઘાટકોપર વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવા અને ટ્રાફિકની ભીડ ઓછી કરવાનો છે.

લાલબહાદુર શાસ્ત્રી માર્ગ (એલબીએસ) નજીક ગોલીબાર જંકશનથી ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે સુધી ફેલાયેલો આ નવો પુલ ઘાટકોપરમાં એક મહત્વનો પૂર્વ-પશ્ર્ચિમ કનેકટર બની રહેશે. તેનું બે તબક્કામાં પુનનિર્માણનું કામ એમઆરઆઈડીસી દ્વારા પાલિકાના ભંડોળથી કરવામાં આવી રહ્યું છે. આ કામનો વર્ક ઓર્ડર ૨૦૨૨માં બહાર પાડવામાં આવ્યો હતો પણ કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મુખ્યત્વે પ્રસ્તાવિત એપ્રોચ રોડ પરના અતિક્રમણને કારણે પુલના બાંધકામ અને રોડને પહોળો કરવાના પ્રોજેક્ટમાં અવરોધ નિર્માણ થયો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકાના એન વોર્ડ દ્વારા ગયા વર્ષે ૧૦૦થી વધુ બાંધકામ હટાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ૩૫થી વધુ બાંધકામ દૂર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્તમાં રહેણાંક અને કમર્શિયલ મિલકતધારકોને ઔપચારિક રીતે જાણ કરવામાં આવી હતી અને તેને તોડી પાડવા પહેલા તેમને વળતર પણ આપવામાં આવ્યું હતું.

અંધેરીના ગોખલે બ્રિજ બાદ પાલિકાએ મુંબઈના તમામ પુલના સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યા હતા, જેમાં ઘાટકોપરના બ્રિજનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજનું ૨૦૧૮ની સાલમાં આઈઆઈટી બોમ્બે દ્વારા ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

ઓડિટમાં જણાઈ આવ્યું હતું કે આ બ્રિજ ખૂબ જ ઓવરલોડેડ હતો અને તેને તાત્કાલિક મોટા સમારકામની આવશ્યકતા હતી. આ દરમ્યાના પાલિકાએ અહીં થતા ટ્રાફિક જૅમને ઓછો કરવા માટે અંધેરી-ઘાટકોપર લિંક રોડને પહોળો કરવાનું કામ શરૂ કરી દીધું છે. નવો પુલ ૨૧૬ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો હશે, જેમાં દરેક દિશામાં ત્રણ લેન હશે. અતિક્રમણ સંબંધિત વિલંબને કારણે મૂળ કામની ડેડલાઈન ૨૦૨૫ની હતી તે હવે જૂન ૨૦૨૭ની થઈ ગઈ છે.

આ પણ વાંચો…અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને કેબલ સ્ટે આરઓબીને નિર્માણમાં અવરોધ બની રહેલા ૩૭ બાંધકામનો સફાયો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button