સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ વીજેટીઆઈ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝ-ચેંબુર લિંક પર આવેલા ત્રણ ફ્લાયઓવરનું સ્ટ્રક્ટરલ ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની ક્ધસ્લટન્ટ તરીકે નિમણૂક કરી છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંધવામાં આવેલા સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ( એસસીએલઆર)ને ૧૦ ઑગસ્ટ, ૨૦૧૨ના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને એપ્રિલ, ૨૦૧૫માં તેને મુંબઈ મહાનગરપાલિકાને હસ્તાંતરણ કરવામાં આવ્યો હતો. એસસીએલઆર પર ત્રણ ફ્લાયઓવર આવેલા છે.
સી.એસ.ટી. રોડ ફ્લાયઓવર (૩.૪૫ કિલોમીટર લંબાઈનો મુખ્ય ફ્લાયઓવર), એલ.બી.એસ. રોડ પર ૫૬૦ મીટર કુર્લા-કલિના ફ્લાયઓવર અને ડબલ ડેકર ફ્લાયઓવર (કુલ લંબાઈ ૧.૮ કિલોમીટર) ટિળક નગરમાં મધ્ય અને હાર્બર લાઈન ટ્રેક પર આવેલા પુલનો સમાવેશ થાય છે.
એસસીએલઆરની બે બાજુ છે. એક લોકમાન્ય ટિળક ટર્મિનસ માટે અને બીજો કુર્લા ડેરી માટે ૧.૦૯૬ મીટર લંબાઈનો અમર મહેલ જકંશન ફ્લાયઓવર એસસીએલઆર રોડને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડે છે. સીએસટી રોડ, અમર મહેલ જંકશન, નહેરુ નગર અને લોકમાન્ય ટિળક ટર્મિનસથી રસ્તા પર પ્રવેશ છે.
એસસીએલઆરને ૨૦૧૨માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા હતો ત્યારથી અત્યાર સુધી તેના પર કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. રેલવે ઓથોરિટી અને પાલિકાના એમ-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા જુલાઈ ૨૦૨૧માં એસસીએલઆરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, એ દરમિયાન એસસીએલઆરમાં સમારકામ કરવાની આવશ્યકતા જણાઈ આવી હતી. તેથી ફ્લાયઓવરની હાલની સ્થિતિનો અહેવાલ લેવા માટે ટેક્નિકલ સલાહકાર તરીકે વીજેટીઆઈની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Also Read –