ચોરેલી બાઈક વેચ્યા પછી જીપીએસથી ટ્રેક કરી તેને ફરી ચોરનારા બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોરેલી રેસિંગ બાઈક ડુપ્લિકેટ નંબર પ્લૅટ અને દસ્તાવેજો સાથે વેચ્યા પછી જીપીએસની મદદથી તેને ટ્રેક કરી ફરી ચોરનારા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ બાઈક વેચતી વખતે તેમાં જીપીએસ લગાવી દેતા હતા, જેને કારણે ખરીદદારે બાઈક ક્યાં પાર્ક કરી છે તેની જાણકારી આરોપીઓ મેળવી શકતા હતા. ફરી ચોરેલી એ બાઈક આરોપી આ જ પદ્ધતિથી બીજા શહેરમાં વેચી દેતા હતા.
એન્ટોપ હિલ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ મોહમ્મદ સદાફ મોહમ્મદ નાઝીર અન્સારી (27) અને મોહમ્મદ શારીક અન્સારી (23) તરીકે થઈ હતી. તેમની પાસેથી 1.20 લાખની કિંમતની કેટીએમ કંપનીની બાઈક, વિવિધ દસ્તાવેજો, ત્રણ નંબર પ્લૅટ અને ચાર મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યા હતા.
એન્ટોપ હિલમાં સીજીએસ કોલોની સેક્ટર-3 ખાતે રહેતા અબુ સંયમ મોહમ્મદ હસીન મેહબૂબ શેખ (25)ની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શેખને રેસિંગ બાઈકનો શોખ હોવાથી તેણે 28 ઑગસ્ટે આરોપીઓ પાસેથી 1.20 લાખ રૂપિયામાં બાઈક ખરીદી હતી. જોકે ઘર નજીકના પરિસરમાં પાર્ક કરેલી શેખની બાઈક બે દિવસમાં જ ચોરાઈ ગઈ હતી.
આ પણ વાંચો : મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બાઈક ખરીદતી વખતે શેખને પૂરતા દસ્તાવેજો આપવામાં આવ્યા નહોતા. આરસી બુકની ઝેરોક્સ કૉપી આપવામાં આવી હતી, જે ખોટી હોવાનું જણાયું હતું. એ સિવાય શેખની બાઈકની નંબર પ્લૅટ અન્ય બાઈકની હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે બાઈકચોરીની સાથે શેખ સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું.
સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ઉત્તર પ્રદેશના વતની બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મોંઘીદાટ બાઈક ચોરી કરતા હતા. પછી એ જ કંપનીની બાઈક ઓએલએક્સ પર વેચવા મૂકનારી વ્યક્તિનો સંપર્ક સાધતા હતા. ખરીદવાની તૈયારી દાખવી તેની પાસેથી બાઈકના દસ્તાવેજોની નકલ પ્રાપ્ત કરતા હતા. એ દસ્તાવેજોનો ઉપયોગ આરોપી ચોરેલી બાઈક વેચવા માટે કરતા હતા.
બાઈક વેચતી વખતે તેમાં જીપીએસ લગાવી દેવામાં આવતી હતી. બાદમાં જીપીએસ ટ્રેક કરી બાઈક ફરી ચોરીને બીજા શહેરમાં વેચવામાં આવતી હતી. આરોપીઓએ આ રીતે મુંબઈ સહિત લખનઊ, હૈદરાબાદમાં પણ ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.