મીરા રોડની હૉસ્પિટલમાંથી 21 લાખની રોકડ ચોરનારા બે ભૂતપૂર્વ કર્મચારી પકડાયા…

થાણે: મીરા રોડની ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટરની કૅબિનમાંથી 21 લાખની રોકડ કથિત રીતે ચોરવાના કેસમાં પોલીસે બે ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :મુંબઈ ફરી આતંકવાદીઓની રડાર પર! આતંકવાદી હુમલાના એલર્ટ બાદ પોલીસ એલર્ટ પર
કાશીગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે જણાવ્યું હતું કે ઘટના 21 સપ્ટેમ્બરે કાશીગાંવમાં વિનય નગર સ્થિત ખાનગી હૉસ્પિટલમાં બની હતી. ડૉક્ટર તેમની કૅબિનમાં ગયા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
કૅબિન બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોતાં અજાણ્યો શખસ માસ્ક પહેરીને કૅબિનમાં પ્રવેશ્યો હતો અને રોકડ ચોરી રફુચક્કર થઈ ગયો હોવાનું નજરે પડ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા ગઈ હતી.
આ કેસમાં પોલીસે સૌપ્રથમ 24 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેના વતનમાંથી હૉસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારીને તાબામાં લીધો હતો. આરોપીની પૂછપરછમાં ડૉક્ટરનો 28 વર્ષનો ભૂતપૂર્વ ડ્રાઈવર પણ ચોરીમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ડ્રાઈવરને બિહારના કટીહારથી પકડી પાડ્યો હતો. માસ્ક પહેરીને ડ્રાઈવર જ ડૉક્ટરની કૅબિનમાં ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
બન્ને આરોપીની પૂછપરછ બાદ તેમના ત્રીજા સાથીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 18 લાખની રોકડ અને એક રિક્ષા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)