પુણેના પૂર પીડિતોને રાજ્ય સરકાર સહાય આપશે, મહારાષ્ટ્ર સરકારે કરી આ જાહેરાત
પુણેઃ ગયા અઠવાડિયે પુણેમાં ભારે વરસાદને કારણે પુણેનો ખડકવાસલા ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે પુણેના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં પુણેવાસીઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે. પુણેના રહેવાસીઓ માટે એક દિલાસાના સમાચાર છે.
પુણેના કલેક્ટર સુહાસ દીવસેએ કહ્યું હતું કે પુણેના પૂર પીડિતોને ૨૫ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે પુણેમાં પૂરની સ્થિતિ માટે જવાબદાર અતિક્રમણને પણ દૂર કરવામાં આવશે. આ અંગેની તમામ રૂપરેખા નવેસરથી તૈયાર કરવામાં આવશે તેમજ પુણેમાં પૂર પીડિતો માટે વળતરના માપદંડો પણ હળવા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Weather Today: ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ, આજે દેશમાં હેવું રહેશે હવામાન?
મહેસૂલ મંત્રીએ આદેશ આપ્યો હતો કે જો બે દિવસ પૂરના પાણી ઘરમાં રહેશે તો જ મદદ કરવામાં આવશે. પરંતુ હવે આ શરત હળવી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે,પૂણેમાં પૂરથી પ્રભાવિત થયેલા લોકોને પરિવાર દીઠ ૫,૦૦૦ રૂપિયાના બદલે ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જયારે જિલ્લા કલેક્ટરે દરેક પરિવારને ૨૫ હજાર રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ, રેશનકાર્ડ ધારકો, નોંધાયેલ અને લાઇસન્સ ધરાવતા દુકાનદારો અને મતદાર યાદીમાં નામ ધરાવતા ટપરી ધારકોને નુકસાનના ૭૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે. આ અંગેનો નવો આદેશ પણ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો.