ગામદેવીમાં કોલેજિયનનો પીછો કરીને અશ્લીલ હરકત કરનારો પકડાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં 20 વર્ષની કોલેજિયનનો પીછો કરીને તેની સામે અશ્લીલ હરકત કરનારા યુવકને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ દિનદયાલ મોતીરામ સિંહ (27) તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લાં 10 વર્ષથી સાયન કોલીવાડા વિસ્તારમાં રહે છે.
આ પણ વાંચો: માંડવીના વિઢ ગામના શિક્ષકે વિદ્યાર્થીઓને ફોનમાં બતાવ્યા અશ્લીલ વીડિયો, હવે રફ્ફુચક્કર
આરોપી કોલાબા, ગ્રાન્ટ રોડ અને બ્રીચ કેન્ડી વિસ્તારમાં ફરસાણ વેચવાનું કામ કરે છે. આરોપીએ અગાઉ મુંબઈની કોલેજના પરિસરમાં કાર પાર્કિંગની નજીક પણ અશ્ર્લીલ કૃત્ય કર્યું હોવાનું ત્યાંની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું.
ફરિયાદી કોલેજિયન 30 નવેમ્બરે બપોરે કંબાલા હિલ બસ સ્ટોપથી ટેક્સીમાં ગ્રાન્ટ રોડ જઇ રહી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કર્યો હતો અને તેની સામે જોઇ અશ્લીલ હરકત કરી હતી. આથી તેણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન આરોપીને પકડવા માટે પોલીસની ચાર ટીમ તૈયાર કરાઇ હતી અને ઘટનાસ્થળ તેમ જ એ માર્ગ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી નજરે પડ્યો હતો. આરોપી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યો હોવાનું તપાસમાં જણાતાં પોલીસ ટીમ ત્યાં રવાના કરાઇ હતી અને તેને બમનાઇતાલા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.