વિધાનસભાની ચૂંટણી પહેલાં એસટીએ દીવાળી માટેનો ભાડાવધારો રદ કર્યો
એમએસઆરટીસીનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મુંબઈમાં પ્રવેશતા હળવા મોટર વાહનોને ટોલ ચૂકવવામાંથી મુક્તિની જાહેરાત સાથે સુસંગત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) એ સોમવારે દીવાળી દરમિયાન અમલમાં મૂકવામાં આવનારા સૂચિત 10 ટકા ભાડા વધારાને રદ કરવાનો નિર્ણય લીધો છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરાયેલા ભાડાવધારાને રદ કરવાના નિર્ણયને કારણે હવે તહેવારોની મોસમ દરમિયાન રાજ્ય પરિવહનની બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરતા મુસાફરોને મોટી રાહત છે. એમએસઆરટીસીનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં પ્રવેશતા હળવા મોટર વાહનોને ટોલ ચૂકવવામાંથી મુક્તિની જાહેરાત સાથે સુસંગત છે.
આ પહેલાં સુધારેલું ભાડું 25 ઓક્ટોબર અને 24 નવેમ્બરની વચ્ચે અમલમાં આવવાનું હતું જેનાથી આર્થિક તંગી અનુભવતી પરિવહન સંસ્થાને 70 કરોડથી 80 કરોડ રૂપિયાની આવક થઈ શકી હોત.
રાજ્ય સરકાર હસ્તકના જાહેર પરિવહન નિગમે સૂચિત ભાડા વધારાના અમલને રોકવા માટે તમામ પ્રાદેશિક વડાઓને પત્ર જારી કરી દીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પરંપરાગત રીતે એમએસઆરટીસીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તહેવારોની મોસમ દરમિયાન ભાડું વધારવાની મંજૂરી આપે છે અને સામાન્ય રીતે વધારો 10 ટકા જેટલો રાખવામાં આવે છે.
એમએસઆરટીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન ભરત ગોગાવલેએ તાજેતરમાં ભાડામાં સૂચિત વધારાની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે મંત્રાલય દ્વારા ભાડાવધારાની ભલામણને નકારી કાઢવામાં આવી હતી.
પ્રસ્તાવિત ભાડાવધારાને રદ કરવાથી એમએસઆરટીસી પર આર્થિક બોજ પડશે કારણ કે તેમણે દીપાવલી પહેલા પાત્ર કર્મચારીઓને બોનસમાં 40 કરોડ રૂપિયા ચૂકવવાના છે, ઉપરાંત સ્ટાફના લેણાંની પતાવટ કરવી પડશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.