દિવાળીમાં એસટીની દિવાળી: ૧૦ દિવસમાં રૂ. ૩૦૧ કરોડની કમાણી કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દિવાળીમાં એસટીની દિવાળી: ૧૦ દિવસમાં રૂ. ૩૦૧ કરોડની કમાણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)એ આ વર્ષે દિવાળી દરમ્યાન માત્ર ૧૦ દિવસમાં જ અધધ ૩૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં સૌથી વધુ કમાણી પુણે ડિવિઝનમાં થઈ છે.

રાજ્યનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખખડી ગયેલી બસની સાથે જ ખોટ ખાઈને રાજ્યમાં બસ દોડાવી રહી છે ત્યારે આ વર્ષે એસટીએ ૧૮ ઑક્ટોબરથી ૨૭ ઑક્ટોબરના દિવાળી સમયગાળામાં દરરોજ સરેરાશ ૩૦ કરોડ રૂપિયાના હિસાબે લગભગ ૩૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ખાસ કરીને દિવાળીની રજા પૂરી થયા બાદ ૨૭ ઑક્ટોબરના ઘરે પાછા ફરનારા પ્રવાસીઓને કારણે ૨૭ ઑક્ટોબરના એક જ દિવસમાં ૩૯ કરોડ ૭૫ લાખ રૂપિયાની આવક સાથે ચાલુ વર્ષની સૌથી વધુ આવકનો વિક્રમ કર્યો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટના ૩૧ ડિવિઝન છે, તેમાં સૌથી વધુ પુણે ડિવિઝનને ૨૦ કરોડ ૪૦ લાખની આવક થઈ હતી.

એ બાદ ધુળે ડિવિઝનને ૧૫ કરોડ ૬૦ લાખ રૂપિયા અને નાશિક ડિવિઝનને ૧૫ કરોડ ૪૧ લાખ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષે દિવાળીની સીઝન કરતા આ વર્ષે સ્ટેટ ટ્રાન્સપોર્ટે ૩૭ કરોડ રૂપિયા જેટલી વધુ આવક થઈ છે.

આ વર્ષે એપ્રિલ અને મે મહિનાને બાદ કરતા છેલ્લાં ચાર મહિનામાં એસટીને ભારે ખોટ થઈ છે. કમોસમી વરસાદ અને પૂરજનક પરિસ્થિતિને કારણે જૂનથી સપ્ટેમ્બરમાં એસટીને લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની ખોટ થઈ છે પણ ઓક્ટોબરમાં દિવાળીની સીઝનમાં એસટીએ ખોટની ભરપાઈ કરી લીધી છે. પ્રતિદિન ૩૪ કરોડ રૂપિયાના હિસાબે ઑક્ટબરમાં ૧,૦૪૯ કરોડ રૂપિયાની આવકનું લક્ષ્યાંક રાખ્યું હતું પણ દિવાળીને દિવસોને છોડીને બાકીના દિવસે એસટી કમાણી કરી શકી નહોતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button