આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજ પર 21 વર્ષના કોલેજિયનની કારે ટેક્સીને મારી ટક્કર: ગુજરાતી મહિલા સહિત બેનાં જીવ ગયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: દાદર પશ્ચિમમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર પૂરપાટ વેગે કાર હંકારી રહેલા 21 વર્ષના કોલેજિયને સામેથી આવી રહેલી ટેક્સીને જોરદાર ટક્કર મારતાં ટેક્સી ડ્રાઇવર અને તેમાં પ્રવાસ કરી રહેલી પંચાવન વર્ષની ગુજરાતી મહિલાનાં મોત થયાં હતાંં. દાદર પોલીસે આ પ્રકરણે કોલેજિયન પ્રિયાંશુ અમર વાંદ્રે સામે ગુનો નોંધી તપાસ આદરી હતી. માટુંગામાં રહેતો પ્રિયાંશુ ચેમ્બુર ખાતેની કોલેજમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર શનિવારે બપોરે 1.35 વાગ્યે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંને જણની ઓળખ ટેક્સી ડ્રાઇવર શંકરય્યા નરસૈયા ગોલીવાડા તથા પ્રવાસી કરી રહેલી પ્રવાસી રેખા પરમાર ઉર્ફે જમેરિયા તરીકે થઇ હતી. ચિંચપોકલી સ્થિત ચમેલીવાડી ખાતે રહેતી રેેખા સાત રસ્તા વિસ્તારમાં ફૂલ વેચતી હતી. ગુડી પડવા નિમિત્તે રેખા શનિવારે સવારે ફૂલ ખરીદવા માટે દાદર ગઇ હતી અને બપોરે ટેક્સીમાં પાછી ફરી રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. ટેક્સી ડ્રાઇવર ગોરેગામનો રહેવાસી હતો.

આ પણ વાંચો: ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ

પ્રાપ્ત માહિતી મુજબ માટુંગા વિસ્તારમાં રહેતો પ્રિયાંશુ વાંદ્રે શનિવારે બપોરે કારમાં લોઅર પરેલથી દાદર રેલવે સ્ટેશન તરફ જઇ રહ્યો હતો. બેદરકારીપૂર્વક અને પૂરઝડપે કાર હંકારી રહેલો પ્રિયાંશુ એલ્ફિન્સ્ટન બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે તેની કાર વિરુદ્ધ માર્ગ પર જતી રહી હતી અને સામેથી આવી રહેલી ટેક્સી સાથે ટકરાઇ હતી, જેમાં ટેક્સી ડ્રાઇવર અને પ્રવાસી રેખા પરમારને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં પ્રિયાંશુને પણ નજીવી ઇજા પહોંચી હતી.

દરમિયાન અકસ્માતની જાણ થયા બાદ દાદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘવાયેલા બંનેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરોએ તપાસીને બંને જણને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે કારચાલક પ્રિયાંશુ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટેક્સીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button