મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે આ ખાસ વંદે ભારત ટ્રેન, મુસાફરોની મળશે વધુ સુવિધા

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરુ કરવામાં આવેલી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Mumbai-Ahmedabad Vandebharat train)ને મુસાફરો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એવામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવશે, પરંતુ આ વંદે ભારત ટ્રેનમાં 16ની જગ્યાએ 20 કોચ હશે. આ ટ્રેન શરુ થવાથી મુંબઈ-અમદાવાદના મુસાફરોને વંદે ભારત ટ્રેનની ટીકીટ મેળવવામાં સરળતા રહેશે, 20 કોચ સાથેની ટ્રેન એક સાથે વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી શકશે.
નોંધનીય છે કે હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે 16 કોચવાળી અને નાના શહેરો વચ્ચે 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં 20 કોચ વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે, તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ભારતીય રેલ્વે 9મી ઓગસ્ટે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવા જઈ રહી છે. 130 કિમીની ઝડપે આ ટ્રેનનું આ પ્રથમ ટ્રાયલ હશે. ટ્રેનની ટ્રાયલ અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે. અહેવાલ મુજબ આ ટ્રેન શુક્રવારે સવારે 7 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે 12:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને 9 ઓગસ્ટના રોજ અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચેના ટ્રાયલને મંજૂરી આપી છે. રેલ્વેએ આ અંગે પશ્ચિમ રેલ્વે ઝોનના જનરલ મેનેજરના કાર્યાલયને સૂચનાઓ આપી છે. જો કે, આ ટ્રેનની ટ્રાયલ યોગ્ય હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ટ્રેનના ટ્રાયલની સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તમામ એલસી ગેટ, અતિક્રમણ અને તૂટેલી અને ખૂટતી બેરિકેડીંગ સાઇટો પર આરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર રૂટમાંથી લગભગ 50 ટકા એટલે કે 792 કિમી રૂટ પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં છે. આ સમગ્ર વિસ્તારમાં ફેન્સીંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
આ પણ વાંચો : વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાનની મોટી જાહેરાત, આ તારીખ થશે ટ્રાયલ રન, જુઓ તસ્વીરો
હાલમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર 16-16 કોચવાળી બે વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોને આ અંતર કાપવામાં લગભગ સાડા પાંચ કલાક લાગે છે. આ બંને ટ્રેનોને 100 ટકા પ્રતિસાદ અને ઓક્યુપન્સી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન આ બે શહેરો વચ્ચે દોડાવવામાં આવી શકે છે.
શું છે મિશન રફ્તાર?
પાંચ વર્ષ પહેલા મુંબઈ અને દિલ્હી વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 1,478 રૂટ કિમીના આ પ્રોજેક્ટ સાથે સંબંધિત કામ પૂર્ણ થઈ ગયું છે. મિશન સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર, પહેલા 130 કિમી પ્રતિ કલાક સ્પીડની ટ્રાયલ કરવામાં આવશે, ત્યારબાદ 160 કિમી પ્રતિ કલાકની અલગ-અલગ સેક્શનમાં ટ્રાયલ થશે.
160 કિમી પ્રતિ કલાકની ઝડપમાં અપગ્રેડ થવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 5.25-કલાકની મુસાફરીનો સમય ઓછામાં ઓછો 45-60 મિનિટ ઓછો થઇ જશે. મુંબઈ-સુરત-વડોદરા-દિલ્હી કોરિડોર પણ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવા માટે તૈયાર છે. વેસ્ટર્ન રેલવેના અધિકારક્ષેત્રમાં પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹3,959 કરોડ છે જ્યારે દિલ્હી સુધીના રૂટ માટેનું એકંદર બજેટ ₹10,000 કરોડ છે.
હાલમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ સહિત 50 થી વધુ ટ્રેનો દોડે છે. આ ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી સ્ટ્રેચ પર 100 kmph, બોરીવલીથી વિરાર સ્ટ્રેચ પર 110 kmph અને વિરાર અને અમદાવાદ વચ્ચે વધુ ઝડપે દોડે છે.