નાળામાં તરતો કચરો કાઢવા સુધરાઈની પખવાડિયું વિશેષ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં આવેલા નાળામાં તરતો કચરો કાઢવા માટે મુંબઈ મહાનગરપાલિકા સોમવાર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧૩ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવાની છે. પખવાડિયું સુધી ચાલનારી આ ઝુંબેશ હેઠળ સવારના ૧૧ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી નાળામાં તરતો કચરો બહાર કાઢવામાં આવશે.
પખવાડિયું સુધી દરરોજ બે કલાક આ ઝુંબેશ માટે નક્કી કરેલા એસઓપી મુજબ મશીન, મનુષ્યબળ અને સ્થાનિક નાગરિકોને સહભાગી કરવામાં આવશે. ઝુંબેશનો મુખ્ય ઉદૃેશ્ય નાળામાંથી તરતો કચરો ભેગો કરીને તેનો નિકાલ લાવવાનો રહેશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ દરેક પ્રશાસકીય વોર્ડના મુખ્ય નાળા (મેનગ્રોવ્ઝ વિસ્તારને બાકાત રાખીને) તેમ જ નાળાની આજુબાજુનો પરિસર, ખુલ્લી ગટરોનો કચરો ભેગો કરવામાં આવવાનો છે. આ ઝુંબેશમાં ઘનકચરા વિભાગ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટનું મનુષ્યબળ, સ્વયમસેવી સંસ્થાના કામગાર તેમ જ નાગરિકો ભાગ લેશે. દરરોજ સવારના ૧૧ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીના સમયગાળામાં નાળામાંથી કચરો કાઢવો અને નિકાલ લાવવાની કાર્યવાહી કરવામાં આવશે. સફાઈ માટે મેકેનિકલ મશીન, કચરો ઊંચકનારાં સાધનો, ડમ્પર, જેસીબી અને પાણીના ટેન્કર સહિત ફાયરએક્સ જેવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.
આ ઝુંબેશમાં જંંગલી ઝાડ-વેલી, ટકાઉ વસ્તુઓ હટાવવાની સાથે જ કચરો ભેગો કરવો તેમજ સંપૂર્ણ પરિસર સ્વચ્છ ધોઈને કાઢવા જેવા કામનો સમાવેશ થાય છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવનારા તરતા કચરાનો નિકાલ કરવાનું કામ ઘનકચરા વિભાગ મારફત થશે.
મુંબઈના નાના-મોટા નાળામાં નાગરિકો દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે. અનેક ભાગમાં નાળા નિયમિત સાફ કરવામાં આવે છે છતાં ત્યાં સ્થાનિક નાગરિકો દ્વારા કચરા નાખવાનું સતત ચાલુ જ હોય છે અને વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા નિર્માણ થતી હોય છે.
આ પણ વાંચો…મુશળધાર વરસાદમાં મુંબઈના તમામ દરિયાકિનારાઓ પર ઠલવાયો ૯૫૨.૫ ટન કચરો…