મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં ખાસ વ્યવસ્થા: 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 13 માળના ભક્ત નિવાસની સ્થાપના માટે કરાર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે મુંબઈ સ્થિત જેનેરિક એન્જિનિયરિંગ ક્ધસ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ (જીઈસીપીએલ)ને 119.50 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
મહારાષ્ટ્રના રામ ભક્તો માટે આવાસ ઉપલબ્ધ કરાવવા માટે 13 માળનું મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે, જેને ભક્ત નિવાસ કહેવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિર પાસે ફાળવેલી બે એકર જમીન પર આ ભક્ત નિવાસનું નિર્માણ કરવામાં આવશે.
આગામી ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ થવાની ધારણા છે. ગયા ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. અયોધ્યામાં અત્યાધુનિક સુવિધાઓની સાથે નજીવા દરે ભક્તોને રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
બે કંપનીઓ નિર્મિતિ બિલ્ડકોન અને જીઈસીપીએલે ટેન્ડરમાં ભાગ લીધો હતો, જેમાં નિર્મિતિએ રૂ. 120.04 કરોડ અને જીઈસીપીએલે રૂ. 119.50 કરોડની બિડ કરી હતી. આ વર્ષે માર્ચમાં રાજ્ય કેબિનેટે મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે 67.14 કરોડ રૂપિયામાં અયોધ્યામાં 9,420.55 ચોરસ મીટરનો પ્લોટ ખરીદવાની મંજૂરી આપી હતી. આ પ્લોટ અયોધ્યાના સેક્ટર-8ની ગ્રીનફિલ્ડ ટાઉનશીપમાં આવેલો છે.
આ પણ વાંચો …ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ…
‘મહારાષ્ટ્ર ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે ભક્તોને સસ્તા દરે આરામદાયક અનુભવ પ્રદાન કરશે,’ એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
2023માં મહારાષ્ટ્રની તેમની મુલાકાત દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિનંતી સ્વીકારીને એવું વચન આપ્યું હતું કે રામ મંદિર પાસે મહારાષ્ટ્ર ભવન બાંધવા માટે અયોધ્યામાં જમીન ફાળવવામાં આવશે.