મહારાષ્ટ્રના સ્પીકરે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકીને કર્યો આ સવાલ, જાણો શું છે મામલો?
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિશાન બનાવ્યા બાદ હવે રાહુલ નાર્વેકરે ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાની ટીકા કરી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેમાં સાહસ હોય તો તે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિધાનસભ્યોની અયોગ્યતા અંગેની અરજીના નિર્ણય ગેરકાયદે શું હતું તે જણાવે?
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ નાર્વેકરને પક્ષ પલટા વિરોધી કાયદાની સમીક્ષા કરનારી સમિતિના પ્રમુખ બનાવ્યા હતા, ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ નાર્વેકરની ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને લોકશાહી ખતમ કરવાની દિશામાં ગણાવ્યો હતો. જ્યારે ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ નાર્વેકરની મજાક ઉડાવતા કહ્યું હતું કે નાર્વેકરને પાંચ વર્ષના સમયગાળામાં ત્રણ પક્ષમાં સામેલ થવાનો અનુભવ છે એટલે તેમને આ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા જિતેન્દ્ર આહવાડે પણ નાર્વેકરને આ સમિતિના પ્રમુખ બનાવવાના ચુકાદાની ટીકા કરી હતી.
જોકે પોતાની વિરુદ્ધ થઇ રહેલી ટિપ્પણીઓનો જવાબ આપતા નાર્વેકરે કહ્યું હતું કે “મારી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણીઓ કરવાં કરતાં ઉદ્ધવ ઠાકરેજી અને આહવાડ પાસે એ સાબિત કરવાનું સાહસ નથી કે મેં અયોગ્યતાની અરજીઓ વિશે લીધેલા ચુકાદાઓમાં ગેરકાયદે શું છે? સંજય રાઉતને લઇને તો સાહસનો કોઇ પ્રશ્ર્ન જ ઊભો નથી થતો. નોંધનીય છે કે રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાને ખરી શિવસેના ગણાવી હતી, તેનાથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો હતો.