બોલો, ઠાકરેની ગડકરીને Open Offer: અમારા વતી ચૂંટણી લડો અને…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા પક્ષપલટાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને મહાવિકાસ આઘાડી (MVA)ના અનેક નેતા ભાજપના અને તેના સાથી પક્ષો એટલે કે મહાયુતિમાં સામેલ થઇ ગયા છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરે પણ મહાયુતિના કદાવર નેતાઓને પોતાની તરફ લાવવાના પ્રયાસમાં છે. આ પ્રયાસના ભાગરુપે ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને પોતાનાપક્ષ વતી ચૂંટણી લડવાની ઓપન ઓફર આપી છે.
દેશમાં ટૂંક સમયમાં જ રસ્તા બાંધણીના ક્ષેત્રમાં મહત્ત્વની કામગીરી કરનારા અને હજારો કિલોમીટર રસ્તો તેમ જ હાઇ-વે બનાવનારા ગડકરીને ઓફર આપતા ઉદ્ધવે કહ્યું હતું કે તમે ભાજપ છોડી દો અને મહાવિકાસ આઘાડી તરફથી ચૂંટણી લડો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપના ઉમેદવારીની લિસ્ટ બહાર પાડી છે, જેમાં અનેક નેતાઓના નામ છે.
ભાજપે જેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, તેવા કૃપાશંકર સિંહનું નામ પણ વડા પ્રધાન મોદીની સાથે જાહેર કર્યું છે, પરંતુ ગડકરીજીએ જેમણે વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું અને મહારાષ્ટ્રમાં તેનો આધાર તૈયાર કર્યો તેમનું નામ નથી. ગડકરીજી તમે ભાજપ છોડી દો. અમે મહાવિકાસ આઘાડીવતી લડો. અમે તમને ચૂંટણી જીતાડીશું.
ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને આપેલી ઓફર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ હવે ફક્ત બેન્ડ બાજા સાથે રહી ગયો છે. તે અમારા ગડકરીજી જેવા રાષ્ટ્રીય નેતાને બેઠક ઓફર કરી રહ્યા છે. આ એવું લાગે જેમ કે ગલીની કોઇ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરતી હોય.
મહારાષ્ટ્રના ઉમેદવારોની યાદી બહાર પાડી નથી, કારણ કે સાથી પક્ષોમાં બેઠક ફાળવણી મુદ્દે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. યાદી બહાર પડશે ત્યારે ગડકરીજીનું નામ સૌથી પહેલું હશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.