‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી

મુંબઈ: રાજકીય લાભ ખાટવા માટે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતું વિભાજનનું રાજકારણ કેવી રીતે સામાન્ય નાગરીકોના જીવનને અસર કરે છે, તેનો જીવંત દાખલો હાલ મુંબઈમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)એ શરુ કરેલો ફરજીયાત મરાઠી ભાષાનો વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચમાં સીટ મામલે શરુ થયેલી તકરાર મરાઠીભાષી અને બિન-મરાઠીભાષી વચ્ચેના વિવાદમાં ફેરવાઈ ગઈ (Marathi Language dispute in local train)હતી. મરાઠીભાષી મહિલાઓએ બિન-મરાઠીભાષી મહિલાને મુંબઈ છોડવા કહી દીધું.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો સેન્ટ્રલ લાઈન લોકલ ટ્રેનના મહિલા કોચનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં છ થી સાત મહિલાઓ ઉગ્ર દલીલો કરતી જોવા મળે છે. અહેવાલ મુજબ સીટ પર બેસવા માટે થયેલી તકરાર ઝડપથી તાજેતરના મરાઠી ભાષાની વિવાદ તરફ ફંટાઈ હતી. એક મહિલા ગુસ્સા સાથે સામે રહેલી મહિલાને મરાઠી ન બોલવા બદલ ઠપકો અપાતી જોવા મળે છે.

વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા મરાઠીમાં બોલી રહી છે, “જો તમારે અમારા મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલવી પડશે, નહીં તો અહીંથી જતા રહ્યો.” ટૂંક સમયમાં કોચમાં હાજર અન્ય મહિલા મુસાફરો પણ જડાઈ અને ઝઘડો વધુ ઉગ્ર બન્યો. તંત્રએ આ વિડીયોની નોંધ લીધી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને રેલ્વે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે લોકલ ટ્રેનને મુંબઈની ‘લાઈફ લાઈન’ અટેલે કે જીવાદોરી કહેવામાં આવે છે, કેમ કે લોકલ ટ્રેનમાં દરેક તબ્બક્કા, ધર્મ, જાતી, જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર મુસાફરી કરતા હોય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવ અને ગીચોગીચ ભરેલા કોચમાં પણ લોકો એક બીજાને સહયોગ કરીને મુસાફરી કરતા હોય છે. એવામાં ભાષા અંગે કરવામાં આવતું રાજકારણ હવે લોકો વચ્ચે ફૂટ પડાવી રહ્યું હોય એવું લાગે છે.

આપણ વાંચો:  નિશિકાંત દુબેએ મુંબઈ-ગુજરાતનો ઈતિહાસ દોહરાવ્યો અને રાજ-ઠાકરે પર કર્યા પ્રહારો

રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના કાર્યકર્તાઓએ ઠાણેમાં એક ખાણીપીણીની દુકાનના માલિકને મરાઠી ન બોલવા બદલ માર માર્યો હતો, જેને કારણે ભાષા વિવાદ છંછેડાયો હતો. ત્યાર બાદ એક ઉદ્યોગપતિએ મરાઠી ભાષા શીખવાની મનાઈ કરતા તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. મીરાં રોડ પર મરાઠી ન બોલતા એક રિક્ષાચાલક સાથે મારામારી કરવામાં આવી હતી. તાજેતરની વિક્રોલીમાં એક દુકાનદાર પર મરાઠીના આપમાન બદલ હુમલો કરવામાં આવ્યો હતો.

હવે લોકલ ટ્રેનની આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે આ મુદ્દો હવે રાજકીયપક્ષો સુધી માર્યાદિત ન રહેતા લોકોના માનસ સુધી પહોંચી ગયો છે, જે આગળ જતા વધુ વરવા પરિણામો લાવી શકે છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button