મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાની વિદાય...
આમચી મુંબઈ

મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાની વિદાય…

છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર ચોમાસાની વહેલી વિદાય, તો છેલ્લા બે દાયકા બીજી વખત ચોમાસાની વિદાય વહેલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં શુક્રવારે દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટ સાથે મુંબઈગરાએ એત તરફ ઓક્ટોબર હીટનો અનુભવ કર્યો હતો. તો બીજી તરફ હવામાન વિભાગે શુક્રવાર, ૧૦ ઑક્ટોબરના મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી હોવાની જાહેરાત કરી હતી. મુંબઈમાં સત્તાવાર રીતે આઠ ઓક્ટોબરના ચોમાસું વિદાય લેતું હોય છે.

મુંબઈમાં આ વર્ષે નૈર્ઋત્યના ચોમાસાનું આગમન પણ તેના નિયત સમય કરતા વહેલું ૨૬ મેના જ થઈ ગયું હતું. એ અગાઉ ૧૯૫૦ની સાલમાં મુંબઈમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને હવે ચોમાસાએ વિદાય પણ વહેલી લઈ લીધી છે. આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થવાની હોવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ૧૦ ઑક્ટોબર, શુક્રવારના મુંબઈમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એ સાથે જ છેલ્લા સાત વર્ષમાં આ વર્ષે પહેલી વખત તો છેલ્લા બે દાયકામાં આ બીજી વખત ચોમાસું જલદી ખેંચાયુ છે. આ અગાઉ ૨૦૦૬ની સાલમાં પણ ચોમાસાએ વહેલી વિદાય લીધી હતી.

હવામાન વિભાગના અધિકારી સુષમા નાયરે જણાવ્યું હતું કે નૈર્ઋત્યના ચોમાસાએ ૧૦ ઓક્ટોબર, શુક્રવારે મુંબઈની સાથે જ ગુજરાતના અમુક વિસ્તાર તેમ જ મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત બિહારના અમુક વિસ્તારમાંથી વિદાય લીધી હતી. એ સાથે જ સમગ્ર મહારાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

મુંબઈમાં એક તરફ ચોમાસાએ વિદાય લીધી છે. તો બીજી તરફ મુંબઈગરા બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટ સાથે ઓક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે. શુક્રવારે સાંતાક્રુઝમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનનો પારો લગભગ ૩૩.૭ ડિગ્રી અને કોલાબામાં ૩૨.૫ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ અનુક્રમે ૭૨ ટકા અને ૮૧ ટકા નોંધાયું હતું.

મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની સત્તાવાર વિદાય આઠ ઑક્ટોબરના થાય છે પણ આ વર્ષે વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થવી શક્યતા જણાતી હતી. ગયા અઠવાડિયે મુંબઈમાં વરસાદના હળવા ઝાપટાં પણ પડી ગયા હતા. જોકે આ અઠવાડિયામાં મંગળવારથી શહેર અને ઉપનગરમાં વરસાદ નોંધાયો નથી.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વાતાવરણમાં ભેજમાં ઘટાડો, પવનની દિશામાં ફેરફાર અને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી શુષ્ક વાતાવરણ જેવા પરિબળોનું અવલોકન કર્યા બાદ ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવે છે.

સાત વર્ષ બાદ વહેલું ખેંચાયું
મુંબઈમાં ૨૦૧૮ બાદ આ વર્ષે ચોમાસાની વિદાય વહેલી થઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ ૨૦૧૮ની સાલમાં છ ઑક્ટોબરના તો ૨૦૦૬ની સાલમાં નવ ઑક્ટોબરના ચોમાસાએ વિદાય લીધી હતી. છેલ્લા સાત વર્ષથી મુંબઈમાં ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. ગયા વર્ષે ૧૫ ઑક્ટોબરના અને ૨૦૨૩ અને ૨૦૨૨ની સાલમાં બે અઠવાડિયાથી વધુ વિલંબ થયો હતો અને બંને વર્ષે ૨૩ ઑક્ટોબરના ચોમાસાએ વિદાય લીધી હતી. ૨૦૨૧માં ૧૪ ઑક્ટોબરના, ૨૦૨૦ની સાલમાં તો ચોમાસું ૨૮ ઑક્ટોબર સુધી લંબાઈ ગયું હતું. તો ૨૦૧૯ની સાલમાં ૧૪ ઑક્ટોબરના ચોમાસાએ વિદાય લીધી હતી.

સરેરાશ ૧૧૭ ટકા વરસાદ
આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિનામાં મુંબઈમાં સરેરાશ ૩,૧૦૦.૪ મિલીમીટર એટલે કે ૧૧૭.૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કોલાબામાં ૨,૩૩૫.૨ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૩,૧૪૩.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો ઓક્ટોબર મહિનામાં કોલાબામાં ૭૨ મિ.મી. અને ઉપનગરમાં ૩૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button