દક્ષિણ મુંબઈમાં આકાશી આફત:૧૨ કલાકમાં લગભગ ૮ ઈંચ વરસાદ...
Top Newsઆમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં આકાશી આફત:૧૨ કલાકમાં લગભગ ૮ ઈંચ વરસાદ…

કોલાબામાં સપ્ટેમ્બર મહિનાનો બીજો હાઈએસ્ટ વરસાદ: મુંબઈગરાનું જનજીવન અસ્તવ્યસ્ત: મોનોરલ ફરી અધવચ્ચે ખોટકાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં રવિવાર મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. સોમવાર સવાર સુધીમાં વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રેલવેની સાથે જ ટ્રાફિકને અસર પડી હતી.

મુંબઈ, થાણે અને રાયગડ માટે હવામાન વિભાગે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધીના ત્રણ કલાક માટે વરસાદની ચેતવણીને અપગ્રેડ કરીને ઓરેન્જમાંથી રેડ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી હતી. સોમવારના મુશળધાર વરસાદની સાથે જ મુંબઈમાં મોસમનો સરેરાશ ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રવિવાર રાતથી સોમવાર સવાર સુધીના ૧૨ કલાકમાં દક્ષિણ મુંબઈમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું, જેમાં શિવડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં તો ૨૦૦ મિલીમીટર (લગભગ આઠ ઈંચ) થી પણ વધુ વરસાદ નોંધાયો હતો. રવિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી સોમવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૧૩૪.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જે છેલ્લા પાંચ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાનો બીજો હાઈએસ્ટ વરસાદ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૧૬૯.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે સાંતાક્રુઝમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૭૩.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સોમવારે ફરી એક વખત મોનોરેલમાં ટેક્નિકલ ખામી સર્જાતા બંધ પડી જતા ૧૭ મુસાફરો મોનો રેલમાં ફસાઈ ગયા હતા.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે વરસાદને પગલે સોમવાર સવારના મુંબઈના દાદર, પરેલ, હિંદમાતા, સાયન,માટુંગા, કુર્લા, ઘાટકોપર, બાન્દ્રા, માહિમ, સાંતાક્રુઝ, અંધેરી જેવા વિસ્તારોમાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદથી રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક જૅમ થયા હતા. મધ્ય રેલવેમાં કુર્લા અને સાયન વચ્ચે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે સવારના સમયે રેલવે સેવાને અસર થઈ હતી.

વરસાદ અને પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાના અને વૃક્ષની ડાળખી તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. જુદા જુદા વિસ્તારમાં શોર્ટ સર્કિટના બનાવની સાથે જ ત્રણ જગ્યાએ ઘરની દીવાલ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા.

ભારે વરસાદને પગલે પવઈમાં પંચસૃષ્ટિ કૉમ્પલેક્સમાં શિવભગતાની મનોર કો ઑ સોસાયટી પાસે રકેડી ટેકડી પરથી ભેખડ ધસીને નીચે રહેલી ત્રણ-ચાર ગાડી પર પડવાનો બનાવ સોમવારે બપોરના પોણા ત્રણ વાગ્યાની આસપાસ નોંધાયો હતો. મ્હાડા હેઠળ આ જગ્યા આવતી હોવાથી મ્હાડા ઓથોરિટી દ્વારા ભેખડ હટાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

મુંબઈ, થાણે, પાલઘર માટે મંગળવાર માટે યલો અલર્ટ આપી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો સોમવારે રેડ અલર્ટની ચેતવણી બાદ મંગળવારના રાયગડમાં ઓરેન્જ અલર્ટની આગાહી હવામાન ખાતાએ કરી છે.

દક્ષિણ મુંબઈમાં કેમ ભારે વરસાદ?
હવામાન વિભાગના નિષ્ણાતના કહેવા મુજબ આંધ્ર પ્રદેશ પર ૧૨ સપ્ટેમ્બરના નવું લો પ્રેશર સર્જાયુ હતું, જે ૧૪ સપ્ટેમ્બરના મધ્ય મહારાષ્ટ્ર તરફ ખસ્યું હતું. આ સિસ્ટમે ભેજ ખેંચી લીધો હતો. એ સાથે જ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ર્ચિમ પવનો એકબીજા સાથે આકાશમાં ભટકાયા તેને કારણે દક્ષિણ મુંબઈમાં રાતના સમયે વીજળીના ગડગડાટ સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો.

દક્ષિણ મુંબઈમાં વધુ વરસાદ
દક્ષિણ મુંબઈમાં માત્ર કલાકમાં અમુક વિસ્તારમાં ૨૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. રવિવાર રાતના ૧૧ વાગ્યાથી સોમવાર સવારના ૧૧ વાગ્યા સુધીના ૧૨ કલાક વરસાદનું જોર દક્ષિણ મુંબઈમાં વધારે જણાયું હતું.

શીવડીમાં ૨૦૫ મિ.મી., ફોર્ટમાં ૨૦૪ મિ.મી., ગ્રાન્ટ રોડમાં ૨૦૦ મિ.મી., વરલીમાં ૧૯૯ મિ.મી., દાદરમાં ૧૯૧ મિ.મી., બોમ્બે સેન્ટ્રલ નાયર હૉસ્પિટલ વિસ્તારમાં ૧૮૦ મિ.મી., માટુંગામાં ૧૭૭ મિ.મી., મલબાર હિલ ૧૭૪ મિ.મી., હાજી અલી ૧૭૦ મિ.મી., ભાયખલા ૧૪૪ મિ.મી., નરિમન પોઈન્ટ ૧૪૩ મિ.મી. અને સાયન ૧૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઉપનગરમાં માનખુર્દમાં ૧૮૨ મિ.મી., ઘાટકોપરમાં ૧૬૧ મિ.મી., ચેમ્બુરમાં ૧૦૮, વિક્રોલીમાં ૧૦૫ મિ.મી., પવઈમાં ૮૪ મિ.મી., ભાંડુપમાં ૬૨ મિ.મી. અને મુલુંડમાં ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

પશ્ચિમ ઉપનગરમાં બાન્દ્રા પશ્ર્ચિમમાં ૨૦૫ મિ.મી., ખારમાં ૧૮૯ મિ.મી., જુહુમાં ૧૩૫ મિ.મી., વર્સોવામાં ૧૧૩ મિ.મી., અંધેરી પૂર્વમાં ૧૦૦ મિ.મી., બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં ૯૭ મિ.મી., વિલેપાર્લેમાં ૯૫ મિ.મી., મરોલમાં ૮૯ મિ.મી., દિંડોશીમા ૬૪ મિ.મી., બોરીવલીમાં ૫૭ મિ.મી. અને દહિસરમાં ૫૫ િ.મ.મી. વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં મોસમનો ૧૦૧ ટકા વરસાદ
મુંબઈમાં રવિવારથી સોમવાર સુધીમાં સરેરાશ લગભગ ૧૦૦ મિલીમીટરથી પણ વધુ વરસાદ પડવાની સાથે જ મુંબઈમાં મોસમનો સરેરાશ ૧૦૧.૧૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કોલાબામાં મોસમનો અત્યાર સુધીનો કુલ ૧,૮૫૪ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૨,૭૮૬.૩ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

માથેરાનમાં ૧૧ ઈંચ વરસાદ
નવી મુંબઈના બેલાપુરમાં ૧૫૯.૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નેરુલમાં ૧૩૮.૬ મિ.મી., કોપરખૈરાણેમાં ૮૦.૨ મિ.મી., ઐરોલીમાં ૭૪.૬ મિ.મી. દીઘામાં ૫૪.૪ મિ.મી. વરસાદ પડયો હતો. તો સમગ્ર નવી મુંબઈમાં સરેરાશ ૧૦૦.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેરમાં પહેલી જૂનથી અત્યાર સુધી કુલ વરસાદ ૨,૯૧૭.૮૯ મિ.મી. નોંધાયો હતો.

રાયગઢ જિલ્લામાં માથેરાનમાં સૌથી વધુ ૨૭૧.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ પનવેલમાં ૧૬૫ મિ.મી., પોલાદપુરમાં ૧૫૮ મિ.મી,, મહાડમાં ૧૪૭ મિ.મી. અને કર્જતમાં ૧૪૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મરાઠવાડામાં અતિવૃષ્ટિ
રાજ્યના અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનું સંકટ નિર્માણ થયું છે. મરાઠવાડમાં સોમવારે સતત બીજા દિવસે અતિવૃષ્ટિ થઈહતી અને તેને કારણે અનેક નદીઓમાં પાણી જોખમી સપાટીએ આવી ગયા હતા. ધારાશીવ (ઉસ્મનાબાદ) જિલ્લાના કાશેગાવમાં ૨૪ કલાકમાં ૧૦૫ મિ.મી.થી વધુ વરસાદ પડયો હતો.

બીડ અને છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી હતી. જ્યારે નાંદેડ, લાતુર, ધારાશીવ, પરભણી અને હિંગોલી અને જાલના માટે યલો અલર્ટની ચેતવણી હતી. આ જિલ્લાઓમાં રવિવારથી સોમવાર દરમ્યાન ભારે વરસાદ રહ્યો હતો. મરાઠવાડ રિજનના આઠ જિલ્લામાં જૂનથી અત્યાર સુધીમાં ૬૭૬ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય ૭૯ મિ.મી. કરતા વધુ વરસાદ છે.

આ પણ વાંચો…વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button