દક્ષિણ મુંબઈમાં ક્લબ માલિકના ઘરમાંથી 60 ડર્બી ટ્રોફી ચોરાઇ: નોકર વિરુદ્ધ ગુનો

મુંબઈ: ક્લબ માલિક દ્વારા વિવિધ ડર્બી સ્પર્ધાઓમાં જીતવામાં આવેલી 15.24 લાખ રૂપિયાની સોનું અને ચાંદીથી મઢેલી 60 ટ્રોફી દક્ષિણ મુંબઈના તેમના નિવાસેથી નોકર ચોરી ગયો હતો. આ પ્રકરણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં નોકર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ મુંબઈના બ્રીચ કેન્ડી વિસ્તારમાં વેસ્ટફિલ્ડ એસ્ટેટ કંપાઉન્ડ ખાતેના ફ્લેટમાં 2023થી નવેમ્બર, 2025 દરમિયાન ચોરી થઇ હતી.
એડવર્ટાઇઝમેન્ટ ફર્મના ડિરેક્ટર અને રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ લિ. (આરડબ્લ્યુઆઇટીસી) ક્લબ તેમ જ ડાયમંડ બૅન્ડ રેસિંગ સિન્ડિકેટ પ્રાઇવેટ લિ.ના માલિક શિવેન સુરેન્દ્રનાથે (59) તાજેતરમાં આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ 2006થી વિવિધ પ્રતિષ્ઠિત ડર્બીઓ જીતી હતી અને ચાંદી તથા સોનાથી મઢેલી ટ્રોફી જીતી હતી. આ તમામ ટ્રોફી તેમના ઘરનોકર અને ઓડિશાના રહેવાસી રાજેન્દ્ર બેનુધન જેના (42) દ્વારા ચોરવામાં આવી હતી.
રાજેન્દ્ર જેના છેલ્લાં પાંચ વર્ષથી સુરેન્દ્રનાથના ઘરમાં કામ કરતો હતો અને છેલ્લા છ મહિનાથી તે ઘરમાં રહેવા લાગ્યો હતો. 23 નવેમ્બર, 2025ના રોજ રાજેન્દ્ર જેનાએ જણાવ્યું હતું કે તાકીદનાં અમુક કામો માટે તેને થોડા દિવસ માટે કોલકાતા જવાનું જરૂરી છે. પાંચ દિવસ બાદ તેણે કૉલ કરી કહ્યું હતું કે તે પાછો આવી રહ્યો છે. જોકે બાદમાં તેણે કૉલ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
રાજેન્દ્ર જેના પાછો ન આવતાં અને તેનો મોબાઇલ પર નોટ-રિચેબલ હોવાથી 2 જાન્યુઆરીએ સુરેન્દ્રનાથે ટ્રોફીઓ અને મૂલ્યવાન ચીજોનું તેનું કલેક્શન તપાસી જોયું, જે સમયે 15.24 લાખ રૂપિયાની ટ્રોફી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)



