દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ

મુંબઈ: રૂ. 3.98 કરોડની છેતરપિંડીના કેસમાં દક્ષિણ સાયબર પોલીસે કેરળથી મોહંમદ અબુબકર નામના શખસની ધરપકડ કરી હતી. દુબઇથી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવી રહેલા આરોપીએ દક્ષિણ મુંબઈના સિનિયર સિટિઝનને તેના વ્હૉટ્સઍપ નંબર પર કૉલ કર્યો હતો. કસ્ટમ્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીએ સિનિયર સિટિઝન પર મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનો આરોપ કરી તથા કાર્યવાહીની ધમકી આપી તેમને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા દબાણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અબુબકર છેલ્લાં પાંચ વર્ષથી દુબઇથી આ રેકેટ ચલાવતો હતો. તે કેરળના કોઝિકોડેનો વતની છે અને તે બકરી ઇદ નિમિત્તે ભારત આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બેન્ક એકાઉન્ટ્સના રેકોર્ડ સાથેની નોટબૂક તથા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા.
દક્ષિણ મુંબઈના સી.પી. ટેન્ક વિસ્તારમાં રહેતા ફરિયાદીએ ગયા મહિને અજાણ્યા શખસો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને નરેશ નામના શખસે વ્હૉટ્સઍપ પર કૉલ કર્યો હતો અને કસ્ટમ્સ ઓફિસરના સ્વાંગમાં ફરિયાદી પર મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો હતો અને રૂપિયા ન ચૂકવે તો કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી.
આ પણ વાંચો : મહિલાઓ, ખેડૂતો, ઓબીસી-આદિવાસીઓ બધાને જ ખુશ કરવા માટેના પ્રયાસ: મુંબઈ-થાણેના રહેવાસીઓને પેટ્રોલ-ડીઝલના દરમાં મોટી રાહત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અબુબકર જ નહીં, તેના દુબઇના સાથીદારે પણ ઍપનો ઉપયોગ કરીને સિનિયર સિટિઝનને કૉલ કર્યો હતો અને પૂછપરછને બહાને તેમને વીડિયો કૉલની સામે કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. તેણે કહ્યું હતું કે તે એજન્સીની ઓફિસમાંથી બોલી રહ્યો છે, કારણ કે બેકગ્રાઉન્ડમાં બેથી ત્રણ લોકો યુનિફોર્મમાં નજરે પડી રહ્યા હતા. આને સાચું માનીને તથા ગભરાઇને સિનિયર સિટિઝને 26 એપ્રિલથી 8 મે દરમિયાન રૂ. 3.98 કરોડ ચૂકવી દીધા હતા. આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ સાયબર પોલીસે તપાસ આદરીને 20 જૂને કેરળના વતની અનુપ કુરિકોટલની ધરપકડ કરી હતી.