બદલાપુરમાં પુત્રએ પિતાનું ગળું ચીર્યું

થાણે: પિતા-પુત્ર વચ્ચેના વિવાદમાં પુત્રએ છરીથી ગળું ચીરી પિતાની હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લાના બદલાપુરમાં બનતાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના બદલાપુર વિસ્તારના બેલાવલી ખાતે બુધવારની સવારે બની હતી. જોકે પૂછપરછમાં આરોપી સહકાર આપતો ન હોવાથી હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, એમ અધિકારીનું કહેવું છે.
મૃતક અનંત કરાળે (64) અને તેનો પુત્ર ગણેશ કરાળે (34) બેલાવલીમાં બિર્યાની સેન્ટર ચલાવતા હતા. તેમની વચ્ચે કોઈ વાતે વિવાદ હતો. બુધવારની સવારે બન્ને જણ દુકાને આપ્યા પછી ગણતરીની મિનિટોમાં આરોપીએ છરીથી પિતા પર કથિત હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: ઘરેથી ઝઘડો કરીને નીકળેલી યુવતી પર બદલાપુરમાં બળાત્કાર: યુવકની ધરપકડ
ગણેશે પિતાનું ગળું ચીરતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. બૂમાબૂમ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા અનંતને તબીબી મૃત જાહેર કર્યો હતો. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આરોપી ગણેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
(પીટીઆઈ)