ગરીબીને માત આપીને મજૂરનો દીકરો બન્યો આર્મી ઑફિસર
મુંબઇઃ એમ કહેવાય છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી અને કંઇક મેળવવાની તીવ્ર ઝંખના જ્યારે ઝનૂન બની જાય ત્યારે પછી સફળતા હાથવેંતમાં જ હોય છે. આવી જ એક કહાણી છે મહારાષ્ટ્રના મુંબઇના એક યુવાનની. 26 વર્ષનો ઉમેશ દિલીરાવ કીલુની.
ઉમેશ દિલીરાવ કીલુ ધારાવી સાયનકોલીવાડા ખાતે રહે છે. ખૂબજ ગરીબ પરિવારમાંથી આવતા ઉમેશના સપના ખૂબ ઊંચા છે અને ગરીબી પણ તેના સપના રોળી શકી નથી.
ઉમેશ કીલુ ભારતીય સેનામાં જોડાયો છે. યો. તેની માતા અને બહેન સહિત પરિવારના નવ સભ્યોએ શનિવારે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો. સેનાનો યુનિફોર્મ પહેરતા પહેલા ઉમેશે કારમી ગરીબી ભોગવી છે. તેના લકવાગ્રસ્ત અને વ્યવસાયે ચિત્રકાર પિતાનું 2023માં અવસાન થયું હતું. માર્ચ 2023માં જ્યારે ઉમેશ આર્મી ટ્રેનિંગ માટે રિપોર્ટ કરવાનો હતો તેના એક દિવસ પહેલા હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું, પણ ઉમેશે હાર નહીં માની. ઉમેશે ગરીબીને ખૂબ નજીકથી જોઈ છે. પરંતુ તેનો દૃઢ નિશ્ચય અને સમર્પણે તેને સફળતા અપાવી.
ઉમેશે સ્થાનિક સાયબર કાફેમાં કામ કર્યું છે. ઉમેશને ટાટા ટ્રસ્ટ, પીએફ દાવર ટ્રસ્ટ અને મહાલક્ષ્મી ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો હતો. ઉમેશે આઈટીમાં બીએસસી પૂર્ણ કર્યું છે અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં અને બ્રિટિશ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. NCCની ટ્રેનિંગ દરમિયાન તેને આર્મીમાં ઓફિસર બનવાની પ્રેરણા મળી હતી. 13 પ્રયાસો પછી ઉમેશ SSB (સર્વિસ સિલેક્શન બોર્ડ) પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યો.
આર્મી ઑફિસર ઉમેશ જણાવે છે કે, તેની સિદ્ધિ તેના વિસ્તારના અન્ય યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપશે. તે એવા લોકોને પણ પ્રેરણા પૂરી પાડશે જેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.