આમચી મુંબઈ

જમાઈએ સસરા અને બે સાળા અને પત્નીની હત્યા કરી, સાસુ મરી ગઈ હોવાનું વિચારીને ભાગી ગયો….

મુંબઈ: મહારાષ્ટ્રના યવતમાલમાં ઘરેલું વિવાદને કારણે એક વ્યક્તિએ તેની પત્ની, સસરા અને બે સાળાની નિર્દયતાથી હત્યા કરી હતી. જ્યારે હુમલામાં સાસુને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના કલંબાના તિરજાદા પારધી ડેમ વિસ્તારમાં બની હતી. આરોપીએ મોડી રાત્રે 11 વાગે આ હત્યાને અંજામ આપ્યો હતો.

ગોવિંદ વીરચંદ પવારના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ તરતથી જ બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા. કારણકે ગોવિંદને લાગતું હતું કે રેખાને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે. જે માટે ગોવિંદે ઘણીવાર રેખા સાથે ઝઘડો કર્યો હતો. પરંતુ રેખા હંમેશા કહેતી હતી કે તેને કોઈની સાથે કોઈ સંબંધ નથી.


પરંતુ ગોવિંદ તેની પર વિશ્ર્વાસ કરતો નહોતો. ગોવિંદે આ બાબત અંગે રેખાના માતા પિતા સાથે વાત કરી પરંતુ રેખાના પિતાએ એમ કહ્યું કે મારી દીકરી એવી નથી. તેને કોઈની સાથે અનૈતિક સંબંધો નથી. પરંતુ તેમ છતાં ગોવિંદ પોતાની વાત પર જ અડગ રહ્યો અને ઝઘડા કરતો રહ્યો. થોડા દિવસો પહેલા જ્યારે તે તેના સાસરિયાના ઘરે આવ્યો ત્યારે તેણે આ બાબતે તેના સાસરિયાઓ સાથે ફરી ઝઘડો શરૂ કર્યો. જ્યારે વાત વધી ગઇ ત્યારે સાસરિયાઓએ ગોવિંદને માર માર્યો હતો.


આ વાતના કારણે ગોવિંદ વધારે ગુસ્સે થયો અને તેણે નક્કી કર્યું કે એક દિવસ તે બધાને મારી નાખશે. એને તેને આ ઘટના બાદ પોતાના સાસરિયા સાથે સારું વર્તન કરવાનું શરૂ કર્યું જેથી કોઇને શક ના જાય પરંતુ તેના મગજમાંથી તેને માર માર્યો હતો એ વાત જતી નહોતી. આથી ગોવિંદ મંગળવારે રાત્રે તે પત્ની સાથે સાસરે પહોંચ્યો હતો. અહીં તેણે એકદમ નોર્મલ વર્તન કર્યું અને પહેલા સસરા પંડિત ઘોસલે અને સાળા જ્ઞાનેશ્વર ઘોસલે અને સુનીલ ઘોસલેને દારૂ પીવડાવ્યો. આ બધા નશામાં ધૂત થઈ જતાં ગોવિંદે ત્રણેય પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણેયના મોત થયા હતા.


બધાની બૂમો સાંભળીને ગોવિંદની પત્ની અને સાસુ પણ ત્યાં આવી ગયા. ત્યારબાદ ગોવિંદે બંને પર સળિયા વડે હુમલો કર્યો હતો. જેના કારણે પત્ની રેખાનું પણ મોત થયું હતું. જ્યારે સાસુ રૂખમા ઘોસાલેને મૃત સમજીને ગોવિંદ ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ તેના સાસુ મર્યા નહોતા. બધાની બૂમો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચી ગયા જોયું તો પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યા હતા. અને રેખાની મા હજુ જીવતી હતી. આથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેની સારવાર ચાલુ કરવામાં આવી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કેસ નોંધીને આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button