મિલકતમાં હિસ્સા માટે પુત્રએ આપી પિતાની ‘સુપારી’: ત્રણની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મિલકતમાં હિસ્સા માટે પુત્રએ આપી પિતાની ‘સુપારી’: ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઘર અને મિલકતમાં હિસ્સો મેળવવાની લાલચમાં પુત્રએ જ પિતાની સુપારી આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. કાંદિવલીની ગ્લાસ ફૅક્ટરીના વૃદ્ધ માલિકની કરપીણ હત્યાના કેસમાં પોલીસે પુત્ર અને વેપારીના ભાગીદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી. રોકાણ કરેલી રકમ અને નફામાં ભાગ ન મળતો હોવાથી બિઝનેસ પાર્ટનર પણ આ કાવતરામાં જોડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ચારકોપ પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ મોહમ્મદ હનીફ મોહમ્મદ અયુબ સૈયદ (41), શાનુ મુસ્તાક ચૌધરી (40) અને મોહમ્મદ ખૈરુલ ઈસ્લામ કાદીર અલી (27) તરીકે થઈ હતી. ગોવંડીના કુરેશી મોહલ્લામાં રહેતા આરોપી અલીનો સાથી ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

આ પણ વાંચો : ભાજપી વિધાનસભ્યના મામાની હત્યા માટે પડોશીએ આપેલી સુપારી

પોલીસના જણાવ્યા મુજબ મલાડ પશ્ર્ચિમમાં કાચપાડા ખાતેની શિવધામ બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ અયુબ મોહમ્મદ યુનુસ સૈયદ (67)ની પેટ, પીઠ અને ખભા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. સૈયદની કાંદિવલીના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ગ્લાસ ફૅક્ટરી છે અને એ ફૅક્ટરીમાંથી જ રવિવારની સવારે 11.45 વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકના પુત્ર હનીફને ઘર અને મિલકતમાં હિસ્સો જોઈતો હતો. બીજી બાજુ, મૃતકના ભાગીદાર શાનુ ચૌધરીને પણ તેના પર ખુન્નસ હતું. ચૌધરીએ વ્યવસાયમાં રોકેલી રકમ અને નફાનો ભાગ તેને મૃતક આપતો નહોતો. પરિણામે બન્નેએ મળીને વેપારીની હત્યાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો : ટાઈગર શ્રોફની હત્યાની ‘સુપારી’:સિક્યોરિટી ગાર્ડ પંજાબમાં પકડાયો…

વેપારીને પતાવી નાખવા માટે આરોપી અલી અને તેના સાથીને 6.50 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી, જેમાંથી એક લાખ રૂપિયા એડ્વાન્સ અલીને આપવામાં આવ્યા હતા. પોલીસે અલીને ચારકોપના ભાબરેકર નગરમાંથી પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી ચૌધરીને નેરુળ અને હનીફને નવી મુંબઈના સી-વૂડ ખાતેથી તાબામાં લેવાયા હતા. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button