…તો કોંગ્રેસ-શરદ પવાર જૂથનું ગઠબંધન પાક્કું, આ બંને દિગ્ગજ નેતા સાથે થઈ વાતચીત…

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધન પક્ષ (એમવીએ) સત્તામાંથી ગયા પછી હવે બચેલા પક્ષો એક થવા પ્રયાસ કરી રહ્યા છે. એનસીપી અને શિવસેનામાં વિભાજન પછી કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે પાર્ટી પોતપોતાના નેતાઓને એક કરવા મથી રહી છે, જેમાં હવે વિપક્ષોના જોડાણ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં બે મુખ્ય પક્ષ કૉંગ્રેસ અને શરદ પવાર જૂથ વચ્ચે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાઇ ગયો હોવાનું જણાય છે.
એનસીપીના વડા શરદ પવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વચ્ચે ફોન ઉપર વાતચીત થઇ હોવાનું તેમ જ વાતચીત દરમિયાન બેઠકોની વહેંચણી અંગે સમાધાન થયું હોવાના અહેવાલ છે. શરદ પવારે રાહુલ ગાંધી ઉપરાંત પોતાના પક્ષના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ વચ્ચે પણ મેરેથોન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ચર્ચાયો હોવાનું કહેવાય છે.
આ બેઠકમાં રાજ્યમાં કેટલી બેઠકો લોકસભાની ચૂંટણીમાં જીતી શકાય તેના વિશે વાત થઇ હોવાનું પણ જયંત પાટીલે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાશે. આ મુદ્દે શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે ફોન ઉપર વાતચીત થઇ છે.
લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિપક્ષના જોડાણ મહાયુતિ ઉપરાંત સત્તાધારી પક્ષની મહાયુતિમાં પણ બેઠકોની વહેંચણી માટે બેઠકોનો દોર શરૂ છે અને ક્યો પક્ષ કઇ બેઠક ઉપરથી લડશે તે વિશે તે વિશે ચર્ચા શરૂ છે. જોકે, હજી સુધી મહાવિકાસ આઘાડી કે પછી મહાયુતિ આ બંનેમાંથી કોઇએ પણ બેઠકોની વહેંચણી કઇ રીતે નક્કી કરવામાં આવી છે, તે વિશે ફોડ પાડ્યો નથી