…તો પશ્ચિમ રેલવેના કોરિડોરમાં એસી લોકલની સર્વિસીસ વધશે પણ

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને મળી રહેલા જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી મહિનામાં 50 એસી લોકલ ટ્રેનોમાં વધારો કરવાનું આયોજન છે. ડિસેમ્બર 2017માં શરૂ થયેલી પ્રથમ એસી લોકલ પશ્ચિમ રેલ્વેના ચર્ચગેટ – બોરીવલી વચ્ચે દોડી હતી. શરૂઆતમાં આ લોકલને પ્રતિસાદ મળશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, ટિકિટના ભાવમાં ઘટાડા બાદ એસી લોકલનો પ્રતિસાદ વધવા લાગ્યો છે. આથી મુસાફરો એસી લોકલ ટ્રેનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.
જો, વધુ એસી લોકલની સર્વિસમાં ઉપલબ્ધ થાય તો પ્રવાસીઓને ખાસ કરીને ફાયદો થઈ શકે છે, પરંતુ જો ફક્ત એસી લોકલની સર્વિસ સાથે નોન-એસી લોકલની સર્વિસને અસર થતી હોવાથી અન્ય પ્રવાસીઓ માટે આ સુવિધા-દુવિધા ન બનવી જોઈએ, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં હાલમાં 96 એસી લોકલની સર્વિસીસ છે, જેમાં રોજ અંદાજે 1.62 લાખથી વધુ અને વર્ષે ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. વેસ્ટર્ન રેલ્વેની એસી લોકલમાં વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે વધુ પાંચ એસી રેક રજૂ કરવાનું આયોજન કરી રહી છે.
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે હાલમાં પશ્ચિમ રેલવેના કાફલામાં 7 એસી રેક છે અને જો વધુ 5 એસી રેક દાખલ કરવામાં આવે તો પચાસથી વધુ એસી લોકલ ટ્રેન દોડાવવાનું શક્ય બની શકે છે. માર્ચ 2024 સુધીમાં વધુ પાંચ એસી રેક આવવાની શક્યતા છે. આમ છતાં તમામ પ્રવાસીઓને ફાયદો થાય તો આવક પણ વધી શકે અને પ્રવાસીઓને લાભ થઈ શકે છે, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
આ વર્ષે પણ મુંબઈમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ વધુ દિવસ લાગ્યો નથી અને હવે ફરી ગરમીના દિવસો પાછા ફરી રહ્યા હોય એમ આજથી ગરમી વધી ગઈ છે. મુંબઈમાં તો ઠંડી કરતા ગરમી વધુ લાગતી હોય છે, જ્યારે મુંબઈની લોકલમાં હવે ગરમીનો વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં તમામ એસી લોકલ દોડાવવાની યોજના છે, પરંતુ કન્વર્ટ કરવામાં વાર લાગી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.