…તો આ તારીખથી મુંબઈગરાને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે
મુંબઈ: મુંબઈમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં શહેરના તાપમાનમાં વધારો રહ્યો હતો, પરંતુ હવે નાતાલ પછી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ મુંબઈગરાઓને થાય એવી હવામાન વિભાગે આગાહી કરી હતી.
મુંબઈના સાંતાક્રુઝના આઇએમડી સ્ટેશન ખાતે લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે હતું. એ જ રીતે કોલાબાનું તાપમાન મિનિમમ 19.4 ડિગ્રી નોંધાયું હતું, જે પહેલી વખત 20 ડિગ્રીની નીચે ગયું હતું. ગયા અઠવાડિયે મુંબઈમાં તાપમાનનો પારો 20 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું હતું. પણ સોમવાર બાદ આ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે.
હવામાન વિભાગે એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં મુંબઈમાં 25 ડિસેમ્બર નાતાલ પછી તાપમાનમાં ભારે ઘટાડો થશે એવું જણાવ્યું હતું. મુંબઈમાં સાંતાક્રુઝની સાથે સાથે મુંબઈના કોલાબામાં પણ 12 ડિસેમ્બરે આ સિઝનનું સૌથી ઓછું 19.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. સોમવારે કોલાબામાં તાપમાન 24 ડિગ્રી રહ્યું હતું. તેમ જ આખા મુંબઈ (ઉપનગરો અને ટાપુ શહેર)માં 32 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
શહેરમાં 25 ડિસમ્બર બાદ તાપમાન 21-22 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. શહેરમાં ઉત્તર અને પશ્ચિમ દિશાએથી આવતા પવનોને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આઇએમડીએ કરી છે.
મુંબઈની સાથે આઇએમડીએ મહારાષ્ટ્રના ઉત્તર કોંકણમાં તાપમાનમાં વધારો શકે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. દક્ષિણ પૂર્વમાંથી રાજ્યમાં પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી જ્યાં સુધી ઉત્તર દિશામાંથી પણ પવનો નહીં આવે ત્યાં સુધી તાપમાન ઊંચું રહેશે. દેશમાં અંદાજે 15 ડિસેમ્બરમાં મોટા ભાગે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે 2022માં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી મુંબઈનું તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું, જેથી મુંબઈગરાઓને ગરમીનો સામનો કરવો પડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.