સાંતાક્રુઝના કમર્શિયલ સેન્ટરમાં લાગેલી આગમાંથી આટલા લોકોને બચાવાયાં

મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા એક બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બનતા ત્યાંથી 37 લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા.
સાંતાક્રુઝના મિલન સબ-વે નજીક આવેલા આ કમર્શિયલ સેન્ટરમાં આગ લગતા ઇમારતમાં ફસાયેલા 37 લોકોને સેન્ટરના ટેરેસ પરથી અગ્નિશમન દળના જવાનોએ બહાર કાઢ્યા હતા. સોમવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ આ કમર્શિયલ સેન્ટરના બીજા માળે શૉટ સર્કિટને લીધે આગ ફાટી નીકળી હતી.
આગની માહિતી મળતા અગ્નિશમન દળની ચાર ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
બીજા માળના ગાળામાં ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશનમાં આગ લાગી હતી, ત્યારબાદ પહેલા અને બીજા માળે આગ ફેલાઈ હતી. આગ લાગ્યા પછી ચાર ફાયર એન્જિન, મોબાઈલ ફાયર ટેન્ડર અને એક ક્વિક રિસ્પોન્સ ટીમ, એરિયલ વર્ક પ્લેટફોર્મ સહિત ટર્ન ટેબલ લેડર-ટીટીએલને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 37 જણને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.