…તો આગામી અઠવાડિયાથી દક્ષિણ મુંબઈથી એરપોર્ટ જવાનું બની શકે છે વધુ સુલભ
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દક્ષિણ મુંબઈ પહોંચવું હવે અઠવાડિયામાં સુગમ બની જશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી વિસ્તારવામાં આવેલા સહાર એલિવેટેડ રોડ મારફત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ ટુ (ટી 2)ને દક્ષિણ મુંબઈ સાથે જોડતો ફ્લાયઓવર 15 ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના છે.
790 મીટર લાંબા ફ્લાયઓવરને કારણે ડોમેસ્ટિક ઉડ્ડયન માટેના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર વિલે પાર્લેના ટ્રાફિક સિગ્નલના ગીચ રહેતા વિસ્તારને ચાતરીને આગળ વધવામાં મોટર ચાલકોને આસાની રહેશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ફ્લાયઓવરની ઉપરથી નીકળતો આ ફ્લાયઓવર છૂટાછવાયા કામને બાદ કરતા લગભગ તૈયાર થઈ ગયો છે. 15 ફેબ્રુઆરીએએ ખુલ્લો મુકાય એવી ગણતરી છે. આમ છતાં આ એલિવેટેડ રોડ મોટરિસ્ટ માટે ક્યારે ખુલ્લો મુકવામાં આવશે એ હજી નિશ્ચિત નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોસ્ટલ રોડ સહિત મુંબઈમાં કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. એલિવેટેડ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવાની વાતનો એમાં સમાવેશ હશે કે કેમ એ હજી સ્પષ્ટ નથી. આ ફ્લાયઓવરનું બાંધકામ 48.43 કરોડના ખર્ચે 2021માં શરૂ કરવામાં આવ્યું હતું.