…તો મુંબઈની બેકરીઓ સામે થશે કાર્યવાહી, જાણી લો પાલિકાનો નિર્ણય

મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગયા વર્ષે પ્રદૂષણ નિયંત્રણ માટે માર્ગદર્શિકા જારી કર્યા પછી હવે મુંબઈમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી બેકરીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની મંજૂરી પણ લેવામાં આવશે.
મુંબઈમાં હવાની ગુણવત્તા ફરી કથળી હોવાથી, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઑક્ટોબર ૨૦૨૩માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને મુંબઈમાં બાંધકામ સ્થળો, વિકાસસ્થળોએ પ્રદૂષણ નિયંત્રણના પગલાં અમલમાં મૂકવા કાર્યવાહીની ચેતવણી આપી હતી.
પરિપત્ર જારી કર્યા બાદ કાર્યવાહી કરતી વખતે, બેકરીની ચીમનીમાંથી નિકળતા ધુમાડાને કારણે થતા પ્રદૂષણ સામે પણ પગલાં લેવામાં આવ્યા હતા. મુંબઈની કેટલીક બેકરીઓ ઈલેક્ટ્રીકલ સિસ્ટમ પર ચાલી રહી છે. પરંતુ હજુ ઘણી બેકરીઓમાં લાકડા અન જૂના ફર્નિચરનો ઉપયોગ થાય છે, જેના કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતુ હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આથી જે બેકરીઓ હજુ પણ લાકડા કે જૂના વેસ્ટ ફર્નિચરનો ઉપયોગ કરે છે તેમની સામે અલગથી માહિતી લઈને કાર્યવાહી કરવાનું આયોજન છે.