ગોદામમાં રાખેલાં ડ્રમમાંથી કેમિકલની હેરફેર: વેપારીને 33 લાખનું નુકસાન
થાણે: ભિવંડીના ગોદામમાં રાખેલાં ડ્રમ સાથે કથિત ચેડાં કરીને તેમાંના કેમિકલની હેરફેર કરવા પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ રીતે કેમિકલ બદલી નાખવાને કારણે વેપારીને 33 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર વેપારીની કંપની દ્વારા ચીનથી આયાત કરાયેલું કેમિકલ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અને અન્ય રાજ્યોમાં ઑક્ટોબર, 2023થી જાન્યુઆરી, 2024 દરમિયાન મોકલવામાં આવ્યું હતું.
જોકે કેમિકલ ભરેલાં ડ્રમ સંબંધિત પાર્ટી સુધી પહોંચ્યા પછી અમુક ડ્રમમાંનું કેમિકલ બદલાયેલું હોવાની ફરિયાદો મળવા લાગી હતી. ડ્રમમાંથી ઑરિજનલ કેમિકલ કાઢીને તેને સ્થાને બીજો પાઉડર ભરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
ડ્રમ સાથે ચેડાં કરીને કેમિકલ બદલવાને કારણે 33 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદને આધારે નારપોલી પોલીસે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)