આમચી મુંબઈ

મુંબઈમાં અંગ્રેજોના જમાનાનો વધુ એક બ્રિજ થશે બંધ, જાણી લો શા માટે?

મુંબઈ: દક્ષિણ મુંબઈનો સૌથી જૂનો અને જાણીતો સાયન સ્થિત રોડઓવર બ્રિજને બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને અવરજવર કરવામાં થોડી અગવડ પડી શકે છે. શનિવારથી સાયનના રોડઓવર બ્રિજ (આરઓબી)ને આગામી બે વર્ષ માટે બંધ કરવામાં આવતા મુંબઈના અનેક ભાગોને ટ્રાફિક જામની સમસ્યા વધવાની છે.

ધારાવી, એલબીએસ માર્ગ અને ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવેને જોડતા સાયન ખાતેના આ મહત્ત્વના આરઓબીને 20મી જાન્યુઆરીના શનિવારથી કામકાજ માટે બંધ કરવામાં આવવાનો છે. મધ્ય રેલવે દ્વારા આ બ્રિટિશ કાળમાં બાંધવામાં આવેલા આરઓબીને તોડીને ફરી નિર્માણ કરવામાં આવશે.


મધ્ય રેલવેના સીએસએમટી અને કુર્લા સ્ટેશન વચ્ચેના પાંચમા અને છઠ્ઠા લાઇન ઉપરના આ બ્રિજનું બાંધકામ જાન્યુઆરી 2026 સુધી પૂર્ણ થઈ જશે. જોકે, આ બ્રિજને બુધવારે જ વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ આરઓબીને 20 જાન્યુઆરીથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મધ્ય રેલવેના અધિકારીએ આપી હતી.


સાયન આરઓબી પર વાહનોની અવર-જવર બંધ કરવા માટે બ્રિજની બંને બાજુએ બેરિકેડ રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમ જ આરઓબીના આ કામકાજને લીધે શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા માટે આ બ્રિજની આસપાસના માર્ગ અને વિસ્તારોમાં નો એન્ટ્રી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.


બ્રિજના કામકાજને કારણે મધ્ય રેલવેના ફાસ્ટ લાઈનો પર દોડતી મેલ-એક્સ્પ્રેસ અને લોકલ ટ્રેનોને પણ અસર થશે. સાયનના આરઓબીના કામને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં પહેલા તબક્કામાં કલ્યાણ અને કુર્લા વચ્ચે એલટીટી અને બીજા તબક્કામાં સીએસએમટી આ માર્ગમાં બ્રિજને વધારવાનું કામ હાથ ધરવામાં આવશે.
મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતો આરઓબી પર ત્રણ ટ્રાફિક ડિવિઝનમાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને માહિમ, ચુનાભટ્ટી, બીકેસી, ચેમ્બુર, ધારાવી જેવા વિસ્તારમાં 50થી 60 ટ્રાફિક વોર્ડન તહેનાત કરવામાં આવશે, આ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ગાઈડ કરી ટ્રાફિકને બીજા વૈકલ્પિક માર્ગો પર રવાના કરવામાં મદદ કરશે.


આરઓબીના કામકાજ દરિમયાન આ બ્રિજ બંધ રહેતા આરટીઓ દ્વારા કુર્લા તરફ જતાં ઈસ્ટર્ન એક્સ્પ્રેસ નેશનલ હાઇવેને જોડતા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ, સુલોચના શેટ્ટી માર્ગથી સાયન હોસ્પિટલ રોડ, ધારાવી કુંભારવાડા અને ચુનાભટ્ટી-બીકેસીને જોડતા ડૉ. બીએસ રોડનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, પણ આ દરેક માર્ગ પર ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે.


અહીં એ જણાવવાનું કે સાયનનો આરઓબી 27 મીટર પહોળો છે, અને આ બ્રિજ 13 મીટર અને 14 મીટરના અંતરે આવેલા બે થાંભલા પર ઊભો છે. આ જૂના આરઓબીને તોડીને જે નવો બ્રિજ બંધવામાં આવશે તે 52 મીટરના સિંગલ સ્પાનનો હશે, જેથી રેલવે લાઇન નાખવામાં માટે જગ્યા ખુલ્લી રહેશે. આ બ્રિજની પહોળાઈ નહીં બદલતા તેને 15 મીટર જેટલી જ રાખવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button