આમચી મુંબઈ

એનસીપીની ચૂંટણી પંચ સમક્ષ છઠ્ઠીએ સુનાવણી

મુંબઇ: વિભાજન બાદ શરદ પવાર અને તેમના ભત્રીજા તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે પાર્ટીના નામ અને ચિહ્ન પરના દાવાને લઈને ઘર્ષણ વધી ગયું છે. બંને જૂથોએ પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ પર નિયંત્રણ જાળવી રાખવા માટે ચૂંટણી પંચમાં અરજી કરી છે, જેના પર છઠ્ઠી ઑક્ટોબરે સુનાવણી થવાની છે. બંને જૂથોએ ચૂંટણી પંચ સમક્ષ પોતપોતાના મંતવ્યો રજૂ કરવાની તૈયારી પણ કરી લીધી છે.

ડેપ્યુટી સીએમ અજિત પવાર જેઓ એનસીપીને છોડીને ગયા જુલાઈમાં શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા, પાર્ટીને કબજે કરવા માટે દરેક યુક્તિ અજમાવી રહ્યા છે. અજિતે તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીના 40થી વધુ વિધાનસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે.
બીજી તરફ શરદ પવાર જૂથે પણ બળવાખોર વિધાનસભ્યો સામે કાર્યવાહી માટે અરજી કરી છે. તેવી જ રીતે અજિત પવારે શરદ પવાર જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી યાદી વિધાનસભા અધ્યક્ષને સુપરત કરી છે.

જોકે તેમાં અશોક પવાર, સુમંતાઈ પાટીલ અને નવાબ મલિકના નામ નથી. અજીત જૂથના મુખ્ય વિરોધી અનિલ પાટીલે અરજીમાં નવ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ ઉપરાંત તેમાં જીતેન્દ્ર આવ્હાડ, રાજેશ ટોપે, રોહિત પવાર, અનિલ દેશમુખ, પ્રાજક્ત તાનપુરે, બાલા સાહેબ પાટીલ, સુનીલ ભુસારા અને સંદીપ ક્ષીરસાગરનો સમાવેશ થાય છે.

અજિત પવાર સહિત તેમની છાવણીના નવ મંત્રીઓનું ભવિષ્ય પણ દાવ પર છે. શરદ પવારના જૂથે અજિત જૂથના નવ મંત્રીઓ ઉપરાંત 31 વિધાનસભ્યો વિરુદ્ધ ચૂંટણી પંચમાં અરજી કરી છે. જેમાંથી ચાર વિપક્ષના વિધાનસભ્યો છે. એનસીપી પ્રમુખ પવારનું કહેવું છે કે આ વિધાનસભ્યોએ પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન
કર્યું છે.

વાસ્તવિક એનસીપીના ચિન્હ અને નામ પર માત્ર ચૂંટણી પંચે જ નિર્ણય લેવાનો છે. હવે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે એનસીપી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ જે પણ નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય રહેશે. જો કે અજિત પવાર જૂથનો દાવો છે કે પાર્ટીના બે તૃતીયાંશથી વધુ વિધાનસભ્યો તેમની સાથે છે. બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવાર પણ આ મામલે હિંમતભર્યા પગલાં લઈ રહ્યા છે. બંને જૂથો છઠી ઑક્ટોબરે ચૂંટણી પંચ સમક્ષ યોજાનારી સુનાવણી પર નજર રાખી રહ્યા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button