આમચી મુંબઈ

પર્દાફાશ ગેરકાયદે નર્સિંગ હોમમાં બાળકો વેચવાનું રૅકેટ છ મહિલાની ધરપકડ

10મું ભણેલી `ડૉક્ટર’ ચલાવતી હતી નર્સિંગ હોમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવંડીમાં ગેરકાયદે નર્સિંગ હોમ ચલાવી બાળકો વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી પોલીસે છ મહિલાની ધરપકડ કરી હતી. માત્ર 10મા ધોરણ સુધી ભણેલી `ડૉક્ટર’ રેકોર્ડ પરની આરોપી મહિલાને ઇશારે આ નર્સિંગ હોમ ચલાવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો તપાસમાં થયો હતો.

ટ્રોમ્બે પોલીસે પકડી પાડેલી મહિલાઓની ઓળખ સાયરાબાનો નબીઉલ્લા શેખ, જુલિયા લૉરેન્સ ફર્નાન્ડિસ, ગોરીબી ઉસ્માન શેખ, શબાના ઝાકીર શેખ, ગુલાબશા મતીન શેખ અને રીના નીતિન ચવ્હાણ તરીકે થઈ હતી. આરોપી સાયરાબાનો માત્ર દસમા ધોરણ સુધી ભણી છે અને તે પોતાને ડૉક્ટર તરીકે ઓળખાવતી હતી. આરોપી જુલિયા રેકોર્ડ પરની આરોપી છે અને તેની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં આવા પ્રકારના છ ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. આરોપી મહિલા એજન્ટોની મદદથી ગોવંડીના રફીક નગરમાં આવેલા રહેમાની નર્સિંગ હોમમાં બાળકોને ગેરકાયદે વેચવાનું રૅકેટ ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે
સંબંધિત નર્સિંગ હોમ પર નજર રાખી હતી. આ નર્સિંગ હોમમાં જન્મેલા બાળકને પાંચ લાખ રૂપિયામાં એક દંપતીને વેચવાનું નક્કી થયું હોવાની માહિતી પોલીસને મળતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. બાળકને વેચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે આરોપી મહિલાઓને પકડી પાડી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ફૂટપાથ પર તેમ જ ઝૂંપડપટ્ટીમાં રહેનારી ગરીબ ગર્ભવતી મહિલાઓને આ ટોળકી ટાર્ગેટ કરી હતી. વળી, જે ગર્ભવતી મહિલાને સંતાનો હોય તેવી મહિલાઓ પર ખાસ નજર રાખવામાં આવતી. આ મહિલાઓને રૂપિયાની લાલચ આપવામાં આવતી અને જન્મનારા બાળકને વેચવા માટે મનાવી લેવામાં આવતી.

નાણાંના બદલામાં બાળક વેચવાની તૈયારી દાખવનારી ગર્ભવતી મહિલાઓને રહેમાની નર્સિંગ હોમમાં લાવી તેમની પ્રસૂતિ કરાવવામાં આવતી. બાદમાં બાળકને નિસંતાન શ્રીમંત દંપતીને પાંચથી આઠ લાખ રૂપિયામાં ગેરકાયદે વેચવામાં આવતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગેરકાયદે બાળક વેચવાના રૅકેટમાં શ્રીમંત દંપતીઓ દ્વારા બાળકીની ઘણી ડિમાન્ડ હોય છે. બાળકીઓ વેચવાનો દર સાતથી આઠ લાખ રૂપિયા સુધીનો હોવાનું કહેવાય છે, જ્યારે બાળક ત્રણથી પાંચ લાખ રૂપિયામાં વેચવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button