ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં છ જણ દાઝ્યા
મુંબઈ: ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં આગ લાગતાં બે કારખાનાં સળગી ગયાં હતાં. આ ઘટનામાં છ યુવાન જખમી થયા હતા, જેમાંથી બે જણ 30થી 50 ટકા દાઝ્યા હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ધારાવીમાં 90 ફૂટ રોડ પર અશોક મિલ કમ્પાઉન્ડ સ્થિત કાલા કિલા નજીક મંગળવારના મળસકે 3.45 વાગ્યે આગ લાગી હતી. ત્રણ અને ચાર માળનાં બે કારખાનાં આગની ચપેટમાં આવી ગયા હતા.
આગમાં દાઝેલાઓની ઓળખ સલમાન ખાન (26), મનોજ (26), અમજદ (22), સલાઉદ્દીન (28), સાઈદુલ રેહમાન (26) અને રફીક અહમદ (26) તરીકે થઈ હતી. સારવાર માટે તેમને પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. રફીક અહમદને નજીવી ઇજા હોવાથી પ્રાથમિક સારવાર પછી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
લાકડાંની વસ્તુઓ, ગાર્મેન્ટ સ્ટોક, ફર્નિચર અને અમુક મશીન આગમાં ભડથું થઈ ગયાં હતાં. દરમિયાન બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાંચ ફાયર એન્જિન અને વૉટર ટૅન્કર્સની મદદથી ચાર કલાકે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ધારાવીના ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીનું બુલડોઝર
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કપડાંના કારખાનામાં આગ લાગ્યા પછી બાજુના કારખાના સુધી ફેલાઈ હતી. આ કારખાનામાં ફ્રોક અને અન્ય કપડાં સીવવાનું કામ ચાલી રહ્યું હતું. જોકે આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.