નવી મુંબઈમાં જુદા જુદા ભાગમાંથી 24 કલાકમાં છ બાળક ગુમ: એકને શોધી કઢાયો
થાણે: નવી મુંબઈના વિવિધ ભાગમાંથી 24 કલાકમાં ચાર સગીર છોકરી અને બે છોકરા ગુમ થયાં હતાં અને તેમાંથી એકને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
12થી 15 વર્ષના વયના સગીરો 3 અને 4 ડિસેમ્બર વચ્ચે ગુમ થયા હતા, જેમાંથી 12 વર્ષનો છોકરો કોપરખૈરાણે વિસ્તારમાંથી સોમવારે ગુમ થયો હતો અને બાદમાં થાણે રેલવે સ્ટેશન ખાતેથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. તેને બાદમાં પરિવારજનોને સોંપાયો હતો.
અન્ય કેસની વિગતો આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કલંબોલી વિસ્તારની 13 વર્ષની છોકરી તેની ક્લાસમેટના જન્મદિવસની ઉજવણીમાં ગઇ હતી અને પાછી ફરી નહોતી.
અન્ય કેસમાં પનવેલની 14 વર્ષની કિશોરી રવિવારે તેની બહેનપણીના ઘરે ગઇ હતી અને બાદમાં ઘરે પાછી ફરી નહોતી.
કામોઠે વિસ્તારની 12 વર્ષની છોકરી સોમવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી. બીજી 13 વર્ષની કિશોરી પણ સોમવારે સ્કૂલે જવા માટે ઘરેથી નીકળ્યા બાદ પાછી ફરી નહોતી.
દરમિયાન રબાળેનો 13 વર્ષનો છોકરો સોમવારે ઘર નજીકના સાર્વજનિક શૌચાલયમાં ગયો હતો અને બાદમાં ગુમ થઇ ગયો હતો.
આ પ્રકરણે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અપહરણના ગુના દાખલ કરવામાં આવ્યા હોઇ બાળકોની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)