ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા છ અફઘાની નાગરિક પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા છ અફઘાની નાગરિક પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મેડિકલ વિઝા પર ભારત આવ્યા પછી વિઝાની મુદત પૂરી થયા છતાં બોગસ દસ્તાવેજોને આધારે નામ બદલીને ગેરકાયદે વસવાટ કરનારા છ અફઘાની નાગરિકને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.

શહેરના કોલાબા અને ધારાવી પરિસરમાં અફઘાની નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના યુનિટ એક અને પાંચના અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન ફોર્ટ, કોલાબા અને ધારાવીમાં છટકું ગોઠવી પોલીસે છ જણને તાબામાં લીધા હતા. પૂછપરછમાં તેમણે પોતાનાં નામ મોહમ્મદ રસૂલ નસોજય ખાન (24), મોહમ્મદ જાફર નબીઉલ્લાહ ખાન (47), અખ્તર મોહમ્મદ જમાલુદ્દીન (48), ઝિયા ઉલ હક મોહમ્મદ ગૌસિયા ખાન (36), અબ્દુલ મન્નન વાહિદ ખાન (36) અને અસદ સમસુદ્દીન ખાન (36) હોવાનું જણાવ્યું હતું.

આપણ વાચો: નાશિકમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી પકડાયા

જોકે આરોપીઓ પાસેના દસ્તાવેજો બોગસ જણાતાં આકરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ નામ બદલ્યાં હોવાની કબૂલાત કરી હતી. તેમનાં સાચાં નામ અબ્દુલ નૌરોજી (47), મોહમ્મદ રસોલ ખાકસર (24), અમીલ ઉલ્લાહ (48), ઝિયા અહમદી (36), મોહમ્મદ ઈબ્રાહિમ ગજનવી (36) અને અસદ કાઈ (36) હોવાનું જણાયું હતું.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ 2015, 2017 અને 2019માં મેડિકલ વિઝા પર ભારત આવ્યા હતા. સૌપ્રથમ દિલ્હીમાં રહીને પછી મુંબઈ આવ્યા હતા. વિઝાની મુદત પૂરી થયા છતાં તે પોતાના દેશ પાછા ગયા નહોતા. આરોપીઓને ફરી અફઘાનિસ્તાન મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button