આમચી મુંબઈ

સાયન ફ્લાયઓવર જુલાઈ ૨૦૨૬માં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સાયન ફ્લાયઓવરનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી તે કયારે ખુલ્લો મુકાશે તેની વાહનચાલકો રાહ જોઈ રહ્યા છે ત્યારે સાયન ફ્લાયઓવરનું તમામ કામ ૧૫ જુલાઈ, ૨૦૨૬માં પૂર્ણ કરીને તેને જુલાઈ અંત સુધીમાં ખુલ્લો મુકવાનું આયોજન હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

સાયન ફ્લાયઓવરમાં રેલવે પાટા ઉપરના બ્રિજના હિસ્સાનુંં કામ રેલવે દ્વારા અને બંને તરફના અપ્રોચ રોડ સહિત ફૂટ ઓવર બ્રિજ અને પબ્લિક અંડર પાસનું કામ પાલિકા કરી રહી છે. એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ગુરુવારે સાયન ફ્લાયઓવરના ચાલી રહેલા કામનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ બાબતે તેમણે જણાવ્યું હતું કે રેલવેની હદનું કામ રેલવે અને અપ્રોચ રોડ અને બે પબ્લિક અંડરપાસનું કામ પાલિકા કરી રહી છે, જેમાં એલ.બી.એસ માર્ગ પરના અંડરપાસનું કામ પૂરું થઈ ગયું છે.

આગામી ૧૫ દિવસમાં તે ખુલ્લો મુકાશે. રાહદારીઓને પૂર્વ-પશ્ર્ચિમ જવા માટેનો ફૂટ ઓવર બ્રિજ અગાઉ જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પશ્ર્ચિમમાં ફ્લાયઓવરનું કામ ચાર તબક્કામાં ચાલી રહ્યું છે અને આ તમામ કામ ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં પૂરા કરવામાં આવશે. રેલવે પાસેથી ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં પૂર્વ બાજુનો એપ્રોચ રોડનો કબજો પાલિકાને મળશે એ બાદ બાકીનું કામ ૧૫ જુલાઈ, ૨૦૨૬સુધીમાં પૂર્ણ થશે અને ત્યારબાદ જુલાઈ અંત સુધીમાં પુલ ખુલ્લો મૂકવામાં આવશે.

બાંગરે વધુમાં જણાવ્યું હતું કે ધારાવી તરફ બીજા અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. રેલવે પાટા પરના જૂના બ્રિજના ઉત્તર તરફના ભાગને તોડી પાડવામાં આવ્યો છે. હવે દક્ષિણ તરફના ભાગને તોડવાનું ચાલું છે. ઉત્તર દિશામાં ગર્ડર બેસાડયા બાદ પૂર્વ તરફનો એપ્રોચ રોડ પાલિકાના કબજામાં આવશે. રેલવે દ્વારા છેલ્લો ગર્ડબ સેડવાનું કામ ૩૧મે, ૨૦૨૬ સુધીમાં પૂરું કરવામાં આવશે ત્યાં સુધીમાં પાલિકા પશ્ર્ચિમ બાજુના તમામ કામ પૂરા કરશે. જોકે પૂર્વ બાજુના તમામ કામ પૂરા કરવા માટે ૩૦થી ૪૦ દિવસનો સમય લાગશે, જે લગભગ ૧૫ જુલાઈ સુધી રહેશે. એ બાદ નાના-મોટા કામ પૂરા કરીને જુલાઈ અંત સુધીમાં ફ્લાયઓવર ખુલ્લો મુકવાનું આયોજન છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button