Top Newsઆમચી મુંબઈ

ચોમાસા પહેલા સાયન ફ્લાયઓવર ખુલ્લો મુકાશે પહેલી જૂનના ઉદ્ઘાટન થવાની શક્યતા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાયન ફ્લાયઓવરનું કામ આગામી ચોમાસા પહેલા પૂરું કરીને તેને જૂન,૨૦૨૬થી વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે. હાલ પૂલ માટેના ગર્ડર નાગપૂર અને અંબાલાની ફેકટરીમાં બની રહ્યા છે અને આવતા વર્ષે માર્ચ અને એપ્રિલમાં બંને તરફના ગર્ડર બેસાડવાની યોજના હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

સાયન પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા સાયન ફ્લાયઓવરના પુન: બાંધકામને મુદ્દે સોમવારે પાલિકા મુખ્યાલયમાં પાલિકા, ટ્રાફિક પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં ફ્લાયઓવરનું કામ પૂરા કરવાના રહેશે અને જૂન મહિનામાં સુધીમાં બ્રિજને કોઈ પણ હિસાબે શરૂ કરવાનું આયોજન છે.

અભિજિત બાંગરે જણાવ્યું હતું કે સાયન બ્રિજનું રેલવે હદમાં આવતું કામ રેલવે કરવાની છે અને અપ્રોચ રોડ તથા બે પબ્લિક અંડર પાસનુ કામ પાલિકા કરી રહી છે. લાલ બહાદૂરશાસ્ત્રી રોડ પરના અંડરપાસનું કામ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ધારાવી બાજુમાં બીજા અંડરપાસનું કામ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં પૂરું કરવામાં આવશે. નક્કી કરેલા કામ સમયગાળા મુજબ થયું તો ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં બ્રિજનું કામ પૂરું થશે અને પહેલી જૂન, ૨૦૨૬થી બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકી શકાશે.

રેલવે લાઈન પર ગર્ડર બેસાડવાનું કામ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, તે માટે રેલવે દ્વારા મેગાબ્લોક લેવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર બે ગર્ડર બેસાડવામાં આવવાના છે. બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ નાગપૂર અને અંબાલામાં ગર્ડર બનાવવાનું કામ ચાલી રહ્યું છે એ બાદ તેને અલગ-અલગ હિસ્સામાં મુંબઈ લાવવામાં આવશે. રેલવે પુલ પર ઉત્તર દિશાની બાજુ પર ગર્ડર લોન્ચ કરવાનું કામ માર્ચ ૨૦૨૬ના પહેલા અઠવાડિયામાં તો રેલવે પુલની દક્ષિણ બાજુએ ગર્ડર બેસાડવાનું કામ એપ્રિલ ૨૦૨૬ના પહેલા અઠવાડિયામાં કરવામાં આવવાનું છે.

ત્યારબાદ રેલવેની હદના અન્ય કામ પૂરા કરવામાં આવશે. ધારાવી અને લાલ બહાદુરશાસ્ત્રી રોડ પર જતા એપ્રોચ રોડનું કામ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં પૂરું કરવાનું આયોજન છે. ૧૫ એપ્રિલ, ૨૦૨૬ બાદ પૂર્વ બાજુના એપ્રોચ રોડનું કામ પૂરું કરવામાં આવશે. આ કામ પૂરા કરવા માટે ૪૫ દિવસનો સમય લાગશે. એ સમયગાળાને મુજબ કામ થયું તો ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં બ્રિજનું કામ પૂરું થશે અને પહેલી જૂન, ૨૦૨૬થી બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકી શકાશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button